ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભાવનગર શહેરમાં દિવસ દરમ્યાન પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં છુટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ભાવનગર શહેરમાં બપોરના સમયે ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. અને સાંજે સુધીમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાવનગર ઉપરાંત જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, સિહોર તથા ઘોઘા પંથકમાં પણ દિવસ દરમ્યાન છુટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઇ હતી.