અમદાવાદમાં આજે શનિવારે મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા પશ્ચિમ ઝોનમાં ૫ વોર્ડમાં દબાણ હટાવ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં વરસાદી કેચપીટમાં કચરો નાંખવા તેમજ ભોંયરાની જગ્યામાં જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરવા મુદ્દે ત્રણ એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. રાણીપમાં સરકારી જગ્યામાં ૧૦ દુકાનોના બાંધકામ કરી દેવાયા હતા. તેને પણ આજે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાયા હતા.
પાલડીમાં ધરણીધર દેરાસરની સામે ધરણીધર કોમ્પ્લેક્ષમાં આવેલ પારસ પાન સેન્ટર (માણેકચોક ગાંઠીયા સેન્ટર) તથા ગાંધી સોડા શોપ નામના ધંધાકીય એકમોને સીલ કરી દેવાયા હતા. વરસાદી કેચપીટમાં એંઠવાડ-કચરો નાખતા હોવાના કારણે આ કાર્યવાહી કરાઇ હતી.
સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં શાંતિનગર વિસ્તારમાં કાશી પારેખ એપાર્ટમેન્ટના ભોંયરામાં ચાલતી ચોકો સ્ટ્રક્ટ નામના બેકરી યુનિટને સીલ કરી દેવામાં આવ્યું હતું. ભોંયરાની જગ્યામાં જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરાયો હોવાનું ધ્યાને આવતા તે એકમને સીલ કરાયું હતું.
નવરંગપુરા વોર્ડમાં વિજય ચાર રસ્ત પાસે એચ.એસ.જી. હાઉસમાં આર.કે.વડાપાઉ નામની દુકાને વરસાદી કેચપીટમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ આપી દીધુ હતું. તેની સામે પણ કાર્યવાહી કરાઇ છે. ઉપરાંત જૂના વાડજમાં સોરાબજી કંપાઉન્ડ પાસે ગોલ્ડ વેલી એપાર્ટમેન્ટના રહીશોએ રહેણાંક પ્રકારનું વધારાનું બાંધકામ કર્યું તેને તેને તોડી પાડીને ૨૫૦ ચી.ફૂટ જગ્યા દબાણમુક્ત કરાઇ હતી.
રાણીપમાં બકરામંડી વિસ્તારમાં સરકારની માલિકીના સર્વે નં.૩૪૭ પૈકીની જગ્યા પર ૧૦ દુકાનોના ગેરકાયદે બાંધકામો તાણી બંધાયા હતા. તેને પણ આજે સાબરમતી મામલતદાર અને મ્યુનિ.તંત્ર દ્વારા સંકલન કરીને આ ૧૦ દુકાનોના દબાણો તોડી પાડીને અંદાજીત ૨૦૦ ચો.મી. જગ્યા દબાણમુક્ત કરાઇ હતી.