શહેરના એક ચોક્કસ વિસ્તારમાં દર રવિવારે શાળાના પટાંગણમાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધુ જ શાકબકાલુ વેચી શકાય તે અર્થે ‘ખેડૂત હાટ’ નામની સેવા તંત્ર દ્વારા શરૂ કરાવવામાં આવેલ. પરંતુ આ યોજના કેટલાક લેભાગુ તત્વોને કણાની માફક ખુંચતી હોય તેવું લાગી રહ્યું છે અને ગરીબ ખેડૂતોના દુશ્મન બનેલા કહેવાતા અધિકારીઓ દ્વારા આ હાટ બંધ કરાવી દેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
આજે પ્રત્યેક વ્યક્તિ વાકેફ છે કે, ધરતી પુત્રો લોહી-પરસેવો એક કરી જનતાનું પેટ ભરે છે. ખેડૂતોની સ્થિતિ દિન-પ્રતિદિન વધુને વધુ કથળી રહી છે. પોષણક્ષમ ભાવોનો સદંતર અભાવ, ફસલોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન, વધતી જતી મોંઘવારી જેવા અનેક કારણોનો સામનો કરી ગરીબ ખેડૂતો પોતાના ખેતરોમાં મોલાત પકવે છે. પરંતુ આ મોલાતનું વેચાણ કરવા જતાં ખૂબ તકલીફ વેઠવી પડે છે. આવા સંજોગોમાં જવાબદાર તંત્ર અને સરકારનો સહયોગ અનિવાર્ય હોવો જોઈએ. પરંતુ આથી વિપરીત ખુદ તંત્ર ખેડૂતોની રોજીરોટી છીનવી લેવાના પ્રયાસો કરે ત્યારે ખેડૂત ક્યાં જાય..? ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં આવેલ સરકારી શાળાના પટાંગણમાં દર રવિવારે ખેડૂત હાટ નામની માર્કેટ શરૂ કરેલ. જેમાં ભાવનગર આસપાસના ગામડાઓમાં રહેતા અને નાનાપાયે શાકભાજીનું ઉત્પાદન કરી વેચાણ કરતા ખેડૂતોને એક જ સ્થળે એકઠા કરી આ ખેડૂતો દલાલ કે અન્ય કોઈ વ્યક્તિ વિના કે કોઈપણ કરવેરા વિના શાકભાજીનું ગ્રાહકોને સસ્તા ભાવે વેચાણ કરી શકે તેવા હેતુસર આ હાટ શરૂ કરેલ.પરંતુ છેલ્લા થોડા સમયથી આ હાટ કોઈને આંખની કાણાની માફક ખુંચી રહી હોય તેમ ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલના કર્મચારીઓ દ્વારા ગરીબ ખેડૂતોને આ હાટ બંધ કરી દેવા જણાવી રહ્યાં છે અને જો બંધ કરવામાં નહીં આવે તો સામાન જપ્ત કરી આકરી કાર્યવાહીની ચેતવણી પણ આપી રહ્યાં છે. જેને લઈને કિસાનો મુંઝવણમાં મુકાયા છે. આ બજાર શા માટે બંધ કરવી છે તે અંગે તંત્ર દ્વારા કોઈ ખુલાસો કે સ્પષ્ટતા રજૂ કરવામાં નથી આવી રહી. આ બજારને લોકો દ્વારા ખૂબ સારૂ પ્રોત્સાહન સાપડી રહ્યું છે. રવિવારે રજાનો દિવસ હોય શહેરીજનો મોટીસંખ્યામાં તાજુ અને સસ્તુ શાકભાજી ખરીદવા માટે આવે છે. જેના કારણે ખેડૂતોને પોતાના ખેતપેદાશની સારી કિંમત પણ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ રીતે માર્કેટ બંધ કરાવી તંત્ર શું સાબીત કરવા ઈચ્છે છે ? કોના ઈશારે આ પ્રકારની કામગીરી થઈ રહી છે ? સહિતના સવાલો લોકો તેમજ ધરતીપુત્રોમાં ઉઠી રહ્યાં છે.