ભાવનગરના શાસ્ત્રીનગરમાં આવેલ મેડિકલ સ્ટોરમાં રૂા.૧.૪૬ લાખ રોકડ રકમની ચોરીની ઘટનાના પગલે એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્કરોએ દેવુબાગમાં આવેલ અન્ય મેડિકલ સ્ટોરને પણ નિશાન બનાવ્યા બાદ રહેણાંકી મકાનને નિશાન બનાવ્યાનું જાણવા મળ્યું હતું.
ભાવનગરના ઈસ્કોન મેગાસીટીમાં રહેતા રમેશભાઈ વલ્લભભાઈ પટેલની માલિકીના શાસ્ત્રીનગર, દર્શન કોમ્પ્લેક્ષમાં આવેલ પટેલ મેડિકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવી સ્ટોરના શટરનું તાળુ તોડી સ્ટોરમાં રાખેલ રૂા.૧ લાખ ૪૬ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારથી ઘટનામાં કોમ્પ્લેક્ષમાં કામે આવતા એક વ્યક્તિએ ત્રણ અજાણ્યા શખ્સોને જોઈને ટપાર્યા હતા પરંતુ આ શખ્સો છરી બતાવી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ આ ઉપરાંત દેવુબાગમાં આવેલ બ્રહ્માણી મેડિકલ અને કમલ મેડિકલ સ્ટોરને પણ નિશાન બનાવી કોસ્મેટીક્સ આઈટમની ચોરી કરી હોવાનું તેમજ શાસ્ત્રીનગરના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનું જાણવા મળ્યું હતું. ચોરીની આ ઘટના અંગે એ ડીવીઝન પોલીસ પટેલ મેડીકલ સ્ટોરના માલિક રમેશભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ પી.આઈ. રાણાએ હાથ ધરી છે.