સરહદી બનાસકાંઠા જિલ્લામાં તીડએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવાયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો તીડ કંટ્રોલમાં રહે તે માટે કામ કરી રહી છે. અત્યારે ખેતીના પાકો કે અન્ય કોઈ નુકશાન થાય તેવી શકયતા ન હોવાનું જિલ્લા કલેકટર જણાવી રહ્યા છે. રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધતા હવે સરહદી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જોવા મળે છે. વાવ અને સુઈગામના ૫ થી ૬ ગામોની સીમમાં તીડએ દેખા દીધી હતી. જેથી પાકને થનારા સંભવિત નુકસાનને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં તીડ દેખાતા જ ખેડૂતોમાં ભય નો માહોલ છવાયો છે. દુષ્કાળના કારણે વાવેતર તો થયું નથી. પરંતુ હવે જ્યારે વાવેતર નો સમય થયો છે તે જ સમયે તીડ આવતા ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે, તીડને કોઈપણ ભોગે કંટ્રોલ કરવામાં આવે. જેથી ખેતીના પાકો કે વૃક્ષોને નુકશાન થાય નહીં. તીડ ના કારણે ખેડૂતો માં ભય ફેલાયો હોવાનું નારણ ભાઈ રાજપૂત નામના ખેડૂતે જણાવ્યું હતું.
જોકે, જિલ્લા કલેકટર સંદીપ કુમાર સાંગલે જણાવ્યું હતું કે, વાવ અને સુઈગામના પાંચ જેટલા ગામમાં તીડ દેખાતા જ ખેતીવાડી વિભાગ અને તીડ કંટ્રોલિંગ વિભાગ દ્વારા તેનું કંટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તીડ ના કારણે નુકશાન થાય તેવી કોઈ જ શકયતા અત્યારે નથી. તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય ની ટીમ સમગ્ર વિસ્તારમાં કાર્યરત છે. જેથી ખેડૂતોને ભયમુક્ત રહેવા જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ અનુરોધ કર્યો હતો.