શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે પણ મોટા ડસ્ટબીન મુકવામાં આવશે

427

રાજયના પાટનગર ગાંધીનગર શહેરની મહાનગરપાલિકા પાસે સ્વચ્છતા સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નથી ત્યારે શહેરને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી શહેરમાં આવેલી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની આસપાસ પણ મોટા ડસ્ટબીન મુકવાનું આયોજન છે જેના થકી આ વિસ્તારમાં કોઈ જાહેરમાં કચરો ફેંકવાની નોબત પણ આવશે નહીં આ માટે દરખાસ્ત પણ મંજુરી માટે સ્થાયી સમિતિને મોકલી દેવામાં આવી છે અને આગામી સમયમાં આ અંગે નિર્ણય પણ લઈ લેવામાં આવશે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરનો સમગ્ર દેશના શહેરોમાં સ્વચ્છતાની દ્રષ્ટીએ ર૦મો નંબર છે ત્યારે હજુ પણ વધુ આગળ નંબર મેળવવા માટે ગાંધીનગર કોર્પોરેશન સ્વચ્છતા અભિયાનને વધુ સુદ્રઢ કરવા માટે મથી રહયું છે. હાલ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેઝ કલેકશનની સાથે રાઉન્ડ ધી કલોક મુખ્ય અને આંતરિક માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. તેમજ મોટા  અને નાના શોપીંગ સેન્ટરોમાં જરૂરીયાત મુજબની ડસ્ટબીન પણ મુકવામાં આવી રહી છે જેથી વેપારીઓ દ્વારા જાહેરમાં કોઈપણ પ્રકારનો કચરો ફેકવામાં આવે નહીં.

એટલું જ નહીં હવે આ સ્વચ્છતા અભિયાનને વધુ કારગત કરવાના હેતુથી શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની બહાર અને ધાર્મિક સંસ્થાઓના બહાર પણ ર૬૦ લીટરની ક્ષમતાવાળી મોટી ડસ્ટબીન મુકવાનું આયોજન છે. આ માટે કોર્પોરેશન તંત્રએ અંદાજ પણ તૈયાર કરી દીધો છે અને તેને મંજુરી અર્થે આગામી સમયમાં સ્થાયી સમિતિ સમક્ષ મોકલી પણ દેવામાં આવશે તો ગાંધીનગર વિસ્તારના સાંસદની ગ્રાન્ટનો પણ વધુમાં વધુ ઉપયોગ સ્વચ્છતાના કામોમાં થાય તે હેતુથી આ ડસ્ટબીન પણ તેમની ગ્રાન્ટમાંથી લાવવામાં આવે તેવું લાગી રહયું છે.

Previous articleકલોલ શહેરમાં નવા બનાવાયેલા રોડ પર કાંકરીઓ ઉખડી રહી છે
Next articleનિવૃત અધિકારીના ઘર બહાર પાર્ક કરેલી બે કારના કાચ તોડયા