ગત અઠવાડિયામાં મુંબઈને ઠેરઠેર જળમગ્ન કરનાર વરસાદે વિરામ લીધા બાદ આજે સવારથી ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈના ઉપનગરોમાં આજે સવારથી જ શરુ થયેલા મૂશળધાર વરસાદના પગલે અનેક નીચાણવાળી જગ્યાએ પાણી ભરાવાના શરુ થયા છે. જેના પગલે વેર્સ્ટર્ન એક્સપ્રેસ વે પર બંને તરફ વાહનોના મોટા થપ્પા લાગી ગયા છે.
આમ તો કાલ રાતથી જ ઝરમર શરુ થયેલા વરસાદનું જોર આજ સવારથી જ ખૂબ વધી ગયું છે. જેના પગલે લાલબાગ, પરળ, ગોરેગાંવ, મિરા રોડ, અંધેરી, બાન્દ્રા વિસ્તારોમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે. ભારે વરસાદના પગલે મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેનના વ્યવહારને પણ અસર પડી રહી છે. મધ્ય અને પશ્ચિમ રેલવેના ટ્રેક પર અનેક લોકલ ૧૦-૧૫ મિનિટ મોડી ચાલી રહી છે. મધ્ય રેલવેમાં વિક્રોલીથી કાંજૂર રોડ સ્ટેશન વચ્ચે પાણી ભરાયા હોવાના અહેવાલ હતા જે હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે.તો બીજી તરફ મુંબઈની બસ સેવા બેસ્ટને પણ વરસાદનો ભોગ બનવું પડ્યું છે. અનેક રસ્તા પર પાણી ભરાવાના કારણે ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે બેસ્ટની બસનો વ્યવહાર પણ ખોરવાયો છે.
અંધેરી સબવેમાં પાણી ભરાવાની શરુઆત થતા પોલીસે આગામચેતી રુપે બંને તરફ બેરીકેડ્સ મુકી દીધા છે. તો એરોપોર્ટના ટ્રાફિકને પણ અસર થઈ છે. ભારે વરસાદને પગલે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વિમાનોના આવાગમન પર અસર જોવા મળી હતી. ઘણી ફ્લાઇટને ઉડાનને કેન્સલ કરવામાં આવી હતી. આગામી ૨૪ કલાક સુધી મુંબઈ અને તેના ઉપનગરોમાં અનેક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દીવાલ પડતાં ૫ લોકો ઘાયલ
ભારે વરસાદના કારણે રવિવાર રાત્રે શહેરના શિવાજી નગર વિસ્તારમાં એક દીવાલ પડી ગઈ, જેના કારણે ૫ લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટના બાદ સ્થાનિક લોકો એન પોલીસની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.