સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ કેન્દ્રીય બજેટ-૨૦૧૯-૨૦ વિશે ગુજરાતના કરવેરા નિષ્ણાંત મુકેશભાઇ પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયાએ શાબ્દીક સ્વાગતની સાથો સાથ મુકેશભાઇ પટેલ વર્ષોથી ચેમ્બરને બજેટ પછીના પ્રવચન માટે માનદ સેવા આપી રહ્યા છે તેને બિરદાવેલ.
મુકેશભાઇ પટેલે કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦ વિશે છણાવટ કરતા જણાવેલ કે, દેશના પ્રથમ મહિલા નાણામંત્રી દ્વારા રજુ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટમાં વિઝન અને મિશન બંને જણાય છે. દુનિયાની ઇકોનોમીમાં હાલમાં ભારતનો સમાવેશ ટોપ ફાઇવમાં થાય છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. વિશેષમાં તેઓએ જણાવેલ કે, વ્યક્તિગત કરદાતાઓને એવું લાગે છે કે બજેટમાં તેમને કઇ આપવામાં આવેલ નથી. પરંતુ વચગાળાના બજેટમાં તેમને ખુબ જ રાહતો આપવામાં આવેલ છે. અઢી લાખથી વધારે આવક હોય તેમણે અને એક લાખથી વધારે લાઇટ બીલ ભરનારે રીટર્ન ફાઇલ કરવું પડશે. એક ઘરના વેચાણથી આવક સામે બીજુ ઘર લેવામાં આવે તો લોંગ ટર્મ કેપીટલ ગેઇનમાં રાહત મળતી હતી. પરંતુ હવેની જોગવાઇ મુબજ એક મકાનના વેચાણની સામે બે મકાન ખરીદવામાં આવે તો પણ લોંગ ટર્મ કેપીટલ ગેઇનમાં રાહત મળશે. તથા એફોર્ડેબલ હાઉસીંગમાં પણ આકર્ષક લાભ આપેલ છે. ૪૫ લાખ સુધીની મકાનની કિંમત હોય તો હાલની બે લાખની વ્યાજની રાહત ઉપરાંત ૧.૫ લાખ સુધીના વ્યાજમાં વધારાની રાહત આપવામાં આવેલ છે. બેંક કે ફાયનાન્સીફલ ઇન્ટીટ્યુટ સિવાયના સોર્સ એટલે કે સગા સબંધી કે મિત્રો પાસેથી વ્યાજે પૈસા લીધા હશે તો તેમને પણ વ્યાજમાં રાહતનો લાભ મળશે.
ઇલેકટ્રીક વાહનોમાં ટેક્ષમાં રાહત આપી છે તેવી જ રીતે નેશનલ પેન્સન સ્કીમમાં કોલમ ૮૦/સી હેઠળ દોઢ લાખ રૂપિયા બાદ મળતા હતા તેમાં હવે ૮૦ /સીસીડી હેઠળ ૫૦ હજારનો વધારો કરવામાં આવેલ છે. ૫૦ કરોડથી વધારે રોકાણના યુનિટમાં ડીઝીટલ પેમેન્ટની સુવિધા ન હોય તો પ્રતિ દિવસ ૫ હજારનો દંડ થશે. પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો વિકલ્પ ખુબ જ આવકાર્ય હોવાનું તેમણે જણાવેલ.
આ બજેટ સેસન જોઇન્ટ ઇન્કમટેક્ષ કમિશ્નર બી.એલ.મીના સહિત વકિલો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, તથા પ્રબુદ્ધ નાગરિકોની વિશાળ સંખ્યામાં યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદમંત્રી તેજસભાઇ શેઠે અને આભારવિધી હિતેશભાઇ રાજ્યગુરૂએ કરેલ.