રાજયના તમામ નાગરિકોના સ્વાસ્થ્યની તેમજ આરોગ્યની સુખાકારી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. નવજાત શિશુથી લઈ વયોવૃદ્ધ સુધીના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે. સરકારશ્રીનો આવો જ એક કાર્યક્રમ તાજેતરમાં જેસર તાલુકાના રાણપરડા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની માટે આશીર્વાદ રૂપ સાબિત થયો હતો.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ડો.પાર્થ પટેલ તેમની મેડિકલ ટીમ સાથે જેસર તાલુકાના રાણપરડા ગામની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને તપાસવા પહોંચ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને મેડીકલ ટીમ તપાસી રહી હતી તે દરમિયાન ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાગૃતિબેન રામભાઈ ભમ્મરને તપાસતા તેણીને હૃદય સંબંધી તકલીફ હોવાનું મેડિકલ ટીમના ધ્યાને આવ્યું હતું જેથી વધુ તપાસ માટે વિદ્યાર્થિનીને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે લવાઇ હતી. જયાં તેણીના હૃદયમાં પી.ડી.એ ની તકલીફ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા જાગૃતિબેનનાં વાલીએ ઓપરેશન કરાવવા બાબતે અસંમતી દર્શાવી હતી પરંતુ મેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતોથી વાકેફ કર્યા હતા અને આ ઓપરેશન કરાવવું એ વિદ્યાર્થીની માટે આવશ્યક છે તેમ જણાવી પરિવારજનોને ઓપરેશન માટે મનાવ્યા હતા. ત્યારબાદ આયુષ્યમાન ભારત યોજનામાં આ પરિવારની નોંધણી થયેલ હોય જાગૃતિબેનનું વિનામૂલ્યે સુરત ખાતેની મહાવીર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાયું હતું અને ઓપરેશન બાદ વિદ્યાર્થીનીને હૃદય સંબંધી તકલીફમાંથી સંપુર્ણ ભયમુક્ત જાહેર કરાઇ હતી. આમ હ્રદયનું જટિલ અને ખર્ચાળ કહી શકાય એવું ઓપરેશન ખેડૂત પરિવાર માટે વિનામૂલ્યે થતાં સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી અને પરિવારજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ટીમ કે જેમાં એક ડોક્ટર, મહિલા ડૉક્ટર, ફિમેલ હેલ્થ વર્કર વગેરે દ્વારા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ બાળકોને આંગણવાડી, શાળામાં તેમજ ઘરે તપાસી જો કોઈ રોગ જણાય તો તેની વિનામૂલ્યે સારવાર પૂરી પડાય છે. આ કાર્યક્રમ હેઠળ જન્મજાત બધિરતા, જન્મજાત હૃદયરોગ, ક્લબફુટ, જન્મજાત મોતીયો, થેલેસેમિયા, કેન્સર વગેરે જેવા તમામ રોગોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.