તાલાલા મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડ માટે રાહતના સમચાર આવ્યાછે. ખનિજ ચોરી કેસમાં ભગા બારડને નીચલી કોર્ટે ફટકારેલી સજાના હુકમ સામે સ્ટે હટાવી દેવાના વેરાવળની સેન્સ કોર્ટે આદેશ કર્યો હતો. જેની સામે ભગા બારડે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એસ.એસ. વોરાએ આ પિટિશનની સુનાવણી હાથધરી હતી. અને હાઇકોર્ટે ભગા બારડની સજા ઉપર સ્ટે આપ્યો હતો.
આ અગાઉ સજાના હુક્મ સામે મનાઈહુક્મ આપવાના મુદ્દે સેશન્સ કોર્ટમાં ત્રીજી વખત મેટરની ફરીવાર સુનાવણી થઈ હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે અપીલ રદ કરતાં હાઇકોર્ટમાં આ ત્રીજી વખત પિટિશન થઈ છે.
ખનિજ ચોરીના કેસમાં સૂત્રપાડા કોર્ટે ૧લી માર્ચના રોજ કોંગીના ધારાસભ્ય ભગા બારડને સજા ફટકારી હતી. આ સજાના હુક્મ સામે સેશન્સ કોર્ટે મનાઈહુક્મ આપી દીધો હતો. સેશન્સ કોર્ટના હુક્મ સામે રાજય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
જેમાં હાઇકોર્ટના ન્યાયર્મૂતિ સોનિયાબહેન ગોકાણીએ સેશન્સ કોર્ટના હુક્મમાં મનાઈહુકમ આપવા પાછળના કારણો જણાવ્યા નહીં હોવાથી સેશન્સ કોર્ટનો હુક્મ રદબાતલ ઠરાવીને નવેસરથી સાંભળવા આદેશ આપ્યો હતો.
જેથી વેરાવળ સેશન્સ કોર્ટે નવેસરથી સુનાવણી હાથ ધરીને સજાના હુક્મ સામે આપેલો મનાઈહુક્મ રદ ઠરાવ્યો હતો.
આ હુક્મને ભગા બારડે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે ફરીવાર કેસની સુનાવણી હાથ ધરીને કારણો સાથેનો ઓર્ડર કરવા હુક્મ કર્યો હતો.