ગુરૂવારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમા બંધ જોવા મળ્યો. મંદિરમાં દર્શન કરવા મળ્યા, પણ અંબાજીની દુકાનો બંધ હોવાથી ત્યાં ખરીદી બંધ રહી. જેનુ કારણ છે વરસાદ. વાયુ વાવાઝોડા બાદ વરસાદે બ્રેક લીધો છે. પણ વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે. રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીમાં ધંધો-રોજગાર બંધ રાખી પ્રાર્થના કરવા મટે ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે ગુરૂવારે અંબાજીમાં તમામ દુકાનદારો, સ્કૂલોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો હતો.
ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર તળે થોડા દિવસો પહેલા સારો વરસાદ નોંધાયો હતો, પણ ત્યાર બાદ વરસાદે જાણે વિરામ લીધો છે. નોંધપાત્ર વરસાદ ન થતા અનેક લોકો અકળાયા છે. ગરમી હજી પણ બપોરના સમયે લોકોને દઝાડી રહી છે, તો બીજી તરફ સમયસર વાવણી કર્યા બાદ ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા માટે અંબાજીના રહેવાસીઓ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે.
આ પ્રયાસમાં અંબાજીના નગરજનો દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઉજાણી કરવાનું આયોજન કરાયું. આ વિશે અંબાજી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ કલ્પના પટેલ દ્વારા અંબાજીની તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ લેખિતમાં રજા જાહેર કરવા અંગે માહિતગાર કરાયા હતા. ત્યારે ગુરુવારના રોજ સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો. અંબાજીમાં ઠેરઠેર મેઘરાજાને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. અંબાજીની પ્રજા એ આશા સાથે આ ઉજાણી કરી રહ્યા છે કે મેઘરાજા તેમની આજીજી સાંભળશે અને ગુજરાતની ધરતી પર વર્ષા કરશે.