એનઇએફટી-આરટીજીએસ ટ્રાન્ઝિક્શન ઉપર ચાર્જ ખતમ

463

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લેસકેસ ઇકોનોમીની દિશામાં દેશને આગળ લઇ જવાના ઇરાદા સાથે ચાર્જને દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પણ પહેલી જુલાઇના દિવસથી ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ મારફતે એનઇએફટી અને આરટીજીએસ ટ્રાન્ઝિક્શન ઉપર ચાર્જને ખતમ કરી દીધા છે. આનાથી લોકોને મોટી સંખ્યામાં રાહત મળશે. દેશની સૌથી મોટી બેંક આશરે ૨૫ ટકા માર્કેટ હિસ્સેદારી ધરાવે છે. એસબીઆઈએ પહેલી ઓગસ્ટના દિવસથી ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ અથવા તો આઈએમપીએસનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન મારફતે ફંડ ટ્રાન્સફર પર ચાર્જને પણ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના આ પગલાથી લોકોને વધારે સુવિધા મળશે. એસબીઆઈના એમડી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) પીકે ગુપ્તાએ કહ્યું છે કે, ગ્રાહકોને સુવિધા આપવા અને તેમને ફંડ ટ્રાન્સફર માટે ડિજિટલ રુટ અપનાવવા પ્રોત્સાહિત કરવાની અમારી નીતિ છે.  ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ૬ જૂને આરટીજીએસ અને એનઈએફટી પરના ચાર્જ રદ કર્યા બાદ એક મહિનાથી વધુ સમયગાળા બાદ એસબીઆઈએ આ ચાર્જમાંથી ગ્રાહકોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

૩૧ માર્ચ, ૨૦૧૯નાં રોજ એસબીઆઈના ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરતાં ગ્રાહકો ૬ કરોડ અને મોબાઇલ બેંકિંગ સર્વિસીસનાં ગ્રાહકો ૧.૪૧ કરોડ હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોબાઇલ બેંકિંગ વ્યવહારોમાં ૧૮ ટકા બજાર હિસ્સો હોવા પર પણ ગર્વ છે. એસબીઆઈના ઇન્ટિગ્રેટેડ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોનાં રજિસ્ટર્ડ યુઝર્સ આશરે ૧ કરોડ છે. ગ્રાહકની સુવિધાની સાથે એનઈએફટી,આઈએમપીએસ અને આરટીજીએસ ચાર્જમાંથી માફી ડિજિટલ વ્યવહારો તરફ વધારે ગ્રાહકોને આકર્ષશે. એસબીઆઈનાના એમડી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) પી કે ગુપ્તાએ કહ્યું હતું કે, અમારી બેંકની એક મુખ્ય વ્યૂહરચના ગ્રાહકોને નાણાકીય ભંડોળ હસ્તાંતરિત કરવા માટે ડિજિટલ માધ્યમ અપનાવી સુવિધા અને પ્રોત્સાહન આપવાની છે. અમારી વ્યૂહરચના અને ભારત સરકારનાં ડિજિટલ અર્થતંત્ર ઊભું કરવાનાં વિઝન સાથે એસબીઆઈએ યોનો, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના એનઈએફટી  અને આરટીજીએસ વ્યવહારો કરવા માટે આ પગલું લીધું છે.

Previous article૧૦ વર્ષની બાળકીની આંખમાં મરચું નાંખી ભીખ મંગાવતા બેની ધરપકડ
Next articleમરાઠા અનામત : મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબની માંગ