કર્ણાટક કટોકટી : કુમારસ્વામી વિશ્વાસમત મેળવવા તૈયાર છે

581

કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે જાહેરાત કરી હતી કે, તેઓ વિશ્વાસમત મેળવવા માટે ઇચ્છુક છે. કુમારસ્વામીએ વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમાર પાસેથી સમયની માંગ કરી છે. રાજ્ય વિધાનસભામાં કુમારસ્વામીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકાર પતનના આરે પહોંચી છે ત્યારે આ અંગેની જાહેરાત કરીને કુમારસ્વામીએ તમામને ચોંકાવી દીધા છે. રાજ્ય વિધાનસભાનું સત્ર ૧૧ દિવસનું શરૂ થઇ ચુક્યું છે. ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર પતનના આરે પહોંચી છે. સરકાર બચી શકશે કે કેમ તેને લઇને કોઇપણ રાજકીય પંડિત કહેવાની સ્થિતિમાં નથી. જો કે, વિપક્ષી ભાજપે મામલામાં મુખ્યમંત્રીની જોરદાર ઝાટકણી કાઢી છે. કર્ણાટકમાં હાલ જોરદાર કટોકટી સર્જાઈ ગઈ છે. કારણ કે, કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ ૧૬ ધારાસભ્યો રાજીનામુ આપી ચુક્યા છે. એટલામાં ઓછું હોય તેમ બે અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામુ આપી ચુક્યા છે. આ તમામને સરકારને તેમનો ટેકો પરત ખેંચી લીધો છે. કુમારસ્વામીએ આજે વાત કરતા કહ્યું હતું કે, ઉપરોક્ત ઘટનાક્રમના દોર વચ્ચે તેઓએ નિર્ણય લીધો છે કે, વિશ્વાસમત મેળવવાની જરૂર છે. કુમારસ્વામીએ સ્પીકરનો સમય માંગી લીધો છે. તેમનું કહેવું છે કે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે વિશ્વાસમત જરૂરી છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યં હતું કે, સ્વૈચ્છિકરીતે વિશ્વાસમત માટેનો નિર્ણય લીધો છે. હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચેઆ દુવિધા કેટલાક ધારાસભ્યોના પગલાના કારણે ઉભી થઇ છે.

કુમારસ્વામીએ જાહેરાત કરી હતી કે, કોઇપણ સ્થિતિનો સામનો કરવા તેઓ તૈયાર છે. સત્તા પર ચોંટી રહેવા માટે તેઓ અહીં આવ્યા નથી. શાસક ગઠબંધનનું કુલ સંખ્યાબળ ૧૧૬ છે જેમાં સ્પીકર ઉપરાંત કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭ અને બસપના એક સભ્ય છે. બે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે હવે ભાજપ પાસે કુલ સંખ્યાબળ ૧૦૭નું થયું છે. ૨૨૪ સભ્યોના ગૃહમાં અડધો આંકડો ૧૧૩ સભ્યોનો છે. જો ૧૬ ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવામાં આવશે તો ગઠબંધનનું સંક્યાબળ ઘટીને ૧૦૦ થઇ જશે અને સરકાર લઘુમતિમાં આવી જશે ત્યારબાદ તેનું પતન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. કર્ણાટકમાં કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે હાલમાં સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ટૂંક સમયમાં જ સરકાર બચી શકશે કેમ તે અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Previous articleચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે
Next articleકર્ણાટક સંકટ : ૧૬મી સુધી યથાસ્થિતિ રાખવાનો હુકમ