અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકની પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. કચ્છનાં ગાંધીધામનો દલિત યુવાન પોલીસની અભયમ ટીમ સાથે પત્નીને લેવા વરમોર ગામમાં ગયો હતો. જ્યાં યુવતીના પિતા, ભાઈ સહિત આઠ વ્યક્તિઓએ ધારીયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરી યુવાનને જાહેરમાં જ રહેંસી નાખ્યો હતો. અભયમ્ ૧૮૧ મહિલા પોલીસની ટીમ ઉપર હુમલો કરી પોલીસની હાજરીમાં હત્યાને અંજામ અપાયો હતો.
આ મુદ્દે માંડલ પોલીસે ૮ લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે યુવતીનાં પિતા અને અન્ય એક વ્યક્તિની અટકાયત પણ કરી દેવામાં આવી છે. આ કેસમાં હજી મૃતક દલિત યુવાનની પત્ની ગુમ છે તેને શોધવા માટે ૪ ટીમો બનાવવામાં આવી છે.
કચ્છના ગાંધીધામમાં રહેતા દલિત યુવાન ૨૩ વર્ષનાં હરીશ યજવંતભાઈ સોલંકીને અમદાવાદ જિલ્લાના વરમોરની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેએ ભાગી જઈને કાયદેસર લગ્ન કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં યુવતીના પિતાએ ગાંધીધામ જઈને પોતે રાજીખુશી હોવાનું જણાવીને દિકરીને છેલ્લા બે મહિનાથી પોતાના ઘેર લઈ આવ્યા હતા. આ યુવતી સગર્ભા હતી. દલિત યુવાન પત્નીને તેના ઘરેથી લેવા માટે ૧૮૧ હેલ્પલાઈનમાં ફોન કરી મદદની માંગી હતી. અભયમ્ હેલ્પલાઈનના કાઉન્સીલીર ભાવિકા એસ. ભગારો, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેન અને ગાડીના ચાલક સુનિલભાઈ સોલંકી માંડલ બસ સ્ટેન્ડ પહોંચ્યાં હતા. ૧૮૧નો સ્ટાફ યુવતીનાં ઘરે તેના પરિવારને સમજાવવા માટે ગયા હતાં. પ્રેમલગ્ન કરનાર યુવાનને ગાડીમાં જ બેસાડી રાખવામાં આવ્યો હતો.