કલોલ પૂર્વમાં મથુરિયા નગર વિ-૧ના ગેટ પાસેથી પસાર થતા જાહેર રોડ પર અવાર નવાર કચરો અને છાણ નાખીને ગંદકી ફેલાવવા આવતી હોવાથી આસપાસના સ્થાનિકોમાં રોષ ફાટયો છે. ઘણી વખત કચરો રોડ પર ફેલાતો હોવાથી ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. જેથી આ બાબતે ઘટતી કાર્યવાહી કરાય તે માટે સ્થાનિકોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા મથુરિયા નગર વિભાગ-૧ના ગેટ આગળથી જાહેર રોડ પસાર થાય છે. ત્યારે આ રોડની બાજુમાં જ ઉકરડાનું નિર્માણ થતું હોવાથી કચરો રોડ ઉપર પણ ફેલાય છે. જેથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
નગરપાલિકાએ થોડા દિવસ અગાઉ જ અહીંથી કચરો ઉપાડીને સાફ સફાઇ કરી હતી પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી ત્યાં જ કચરો નાખવામાં આવતા કચરો રોડ પર ફેલાય છે. ઉકરડાની બાજુમાં જ ફરસાણની દુકાન પણ આવેલી છે. જેથી નાસ્તો કરવા આવતા નાગરિકોના આરોગ્ય પણ જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છાણ અને કચરો નાખીને અહીં ઉકરડો બનાવતો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ઘણી વખત તો કચરો અડધા રસ્તા પર ફેલાઇ જતા ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડે છે. આ સમસ્યાથી કંટાળીને સ્થાનિક નાગરિકોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરી આપવા માંગ કરી છે. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિક નાગરિકોએ ઉચ્ચારી છે.