સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો અને પાણીને લઇ પરિસ્થિતિ વણસી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ ચોમાસુ મધ્યમાં પહોંચી ગયું છે. છતાં સિઝનનો માંડ પાંચ ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે. ત્યારે શહેરના જીવાદોરી સમાન આજી ડેમમાં પાણી ખૂટવા લાગ્યું છે. જો ૩૧ જુલાઇ સુધી આવી જ પરિસ્થતિ રહેશે તો ફરી આજીડેમ નર્મદાના નીરના ભરોસે રહેશે તો બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. છે આથી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાતા સવારે ખેડૂતોએ ખેતરે એકઠા થઇ રામધૂન બોલાવી હતી.આજી ડેમના તળિયા દેખાય રહ્યા છે. અત્યાર સુધી પાણીકાપનો પ્રશ્ન આવ્યો નથી પરંતુ આવી જ પરિસ્થતિ રહેશે તો પાણીની પળોજણ દસ્તક દેવાની શરૂઆત કરશે.જો કે રૂપાણી સરકારે અગાઉ પણ કહ્યું હતું કે પાણીની મુશ્કેલી નહીં થવા દઇએ જરૂર પડ્યે આજીને નર્મદાના નીર મળતા રહેશે. અગાઉ ૨ વખત નર્મદાનીરથી આજી ભરાયો હતો. ફરી એક વખત આ પરિસ્થતિનું નિર્માણ થઇ રહ્યું છે. જો કે કોર્પોરેશનના સત્તાધિશોને પણ વિશ્વાસ છે કે વરસાદ ખેંચાશે તો નર્મદાના નીર તો મળશે જ. રાજકોટના મોટા ખીજડીયા ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વાવણી થઇ ગઇ છે પરંતુ પાક જમીનમાં બેસી ગયો છે. લોન લઇ ખેડૂતોએ વાવણી કરી છે. સમયસર પાકવીમો પણ મળ્યો નથી અને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અવારનવાર ખેડૂતોએ સરકારને રજૂઆત કરી છે છતાં કોઇ યોગ્ય પગલા લેવાયા નથી.
ખેડૂતો રોષે ભરાય મંજીરા અને તબલા સાથે રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ સરકાર પાસે બિયારણની પણ માંગ કરી છે.