શહેરમાં આવેલી કુસુમ વિદ્યાલયમાં ધોરણ ૧૦ની હાલમાં ચાલી રહેલી પુરક પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા આવેલો દાદરા નગર હવેલીમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતો શિક્ષક ઝડપાયો હતો. જોકે આ હકીકત ત્યારે સામે આવી જયારે વિદ્યાર્થી હાજરી પત્રકમાં સહી લેવાની હતી અને વિદ્યાર્થીની સહીમાં ફેરફાર અને શંકા જણાઈ આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
ધોરણ ૧૦ અને ૧૨ ની હાલ પુરક પરીક્ષાઓ વલસાડ જિલ્લામાં લેવામાં આવી રહી છે જેમાં કોઈ ગેરરીતીનો કેસના બને તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જોકે ધોરણ ૧૦નું ગણિતનું પેપર હતું તેમાં પરીક્ષા આપવા માટે આવેલા પટેલ પિન્કેશ કુમાર શતીશભાઈ વિદ્યાર્થીની હાજરી પત્રકમાં સહી લેવામાં આવી ત્યારે પરીક્ષા રસીદમાં કરવામાં આવેલી સહી કરતા તે થોડી જુદી આવતા સુપરવીઝરને શંકા થઇ હતી. જે બાદ સમગ્ર બાબતે ઝોનલને જાણ કરવામાં આવી હતી જે બાદ આ વિદ્યાર્થી જે સ્કૂલનો હતો, તે સ્કુલ એટલે કે દાદરા સ્કુલના આચાર્યને બોલાવી વિદ્યાર્થી રસીદ સ્કુલ પાસે માંગવામાં આવી હતી અને તે બાદ વર્ગ ખંડમાં બેસેલા વિદ્યાર્થીની રસીદ ચેક કરતા જિલ્લા શિક્ષણ અધિકારી અને ઝોનલ અધિકારીના હોશ ઉડી ગયા હતા.સ્કુલના આચાર્ય એ જે રસીદ આપી હતી તેમાં વિદ્યાર્થીનો ફોટો જુદો હતો અને વર્ગ ખંડમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી પાસેની રસીદમાં ફોટો જુદો હતો. જેથી રસીદ સાથે ચેડા કરી ફોટો બદલવામાં આવ્યો હતો. અંતે પકડાયેલા આ ડમી વિદ્યાર્થીની પૂછપરછ કરતા તે દાદરાનગર હવેલીમાં સરકારી શાળામાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતો શુરેશ દામુ ભોયા હોવાનું કબુલ્યું હતું.