એક જ વરસાદે રેલ્વેના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડી

465

દહેગામમાં બ્રોડગેજ રેલ્વે લાઈન નાંખવાની કામગીરી જયારથી શરૂ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી વિવાદો શમવાનું નામ લઈ રહયા નથી. પહેલા અંડરબ્રીજની ઉંચાઈને લઈ ત્યારબાદ દહેગામ પાસે પાટા ફીટ કરવા સમયે આખી ભેખડ ધસી જવાના બનાવ બાદ હાલ એક નવા વિવાદે જન્મ લીધો છે. દહેગામ તાલુકાના રખિયાલમાં નવા આકાર લઈ રહેલા રેલ્વે સ્ટેશન પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ એક જ વરસાદે કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે.

દહેગામમાંથી પસાર થઈ રહેલી નવનિર્મિત રેલ્વે લાઈન પર નવા આકાર લઈ રહેલા રેલ્વે સ્ટેશનનની કામગીરીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે. રેલ્વે સ્ટેશનમાં બનાવવા માટે થઈ રહેલી કામગીરીમાં નબળી ગુણવત્તાની કામગીરી થઈ રહી હોવાના સમાચાર બહાર આવી રહયા છે. રેલ્વે ટ્રેક પાસે આકાર લઈ રહેલા સ્ટેશનમાં પેવર બ્લોકમાં ખાડા પડી જવાની બાબત હોય કે પછી નવી ઈમારતમાં તિરાડ પડવાની બાબત હોય ત્યારે ચારે તરફ નબળી કામગીરી થવાની ચાડી આ તિરાડો અને હાલમાંચાલી રહેલું સમારકામ ખાઈ રહયું છે.

આ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન હજુ થયું નથી ત્યારે આ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર રીપેર કામ શરૂ કરવાની નોબત આવી છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે કામ પૂર્ણ થયા બાદ એક જ વરસાદે આ રેલ્વે સ્ટેશનની નબળી કામગીરીની પોલ ખુલી જતાં હાલ આજ પ્લેટફોર્મ પર સમારકામ કરવાની નોબત આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી નબળી ગુણવત્તાનું કામ થાય છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

શું સંબંધિત કામ કરવાવાળા લોકો પર કોઈ દેખરેખ નથી રાખવામાં આવતી? શું ટેન્ડર સિસ્ટમ ફલોપ છે? કોઈ પણ સરકારી કામ માટે જયારે ટેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારે સૌથી ઓછા પૈસામાં કામ કરી આપવા માટે જે કંપની તૈયાર થાય છે તેને કોન્ટ્રાકટ આપવામાં આવે છે પણ શું આ ઓછા પૈસા આપવામાં આવતા કોન્ટ્રાકટને લઈને કામગીરી નબળી થાય છે ? શું કામ મેળવવાની લાલચમાં કોન્ટ્રાકટરો સૌથી ઓછા પૈસાનું બીડીંગ કરતાં હોય છે ? અને ત્યારબાદ કામગીરીમાં નબળી ગુણવત્તાની વસ્તુઓ વાપરી પૈસા બચાવવા માટેના પ્રયત્ન થતાં હોય છે? જવાબ કંઈ પણ હોય આમાં વેડફાટ પ્રજાના પૈસાનો થઈ રહયો છે.

શું આવી નબળી કામગીરી કરતા કોન્ટ્રાકટરો સામે કોઈ કાર્યવાહી કરવા પગલો લેવાશે?  કે પછી અધિકારીઓની પણ આમાં મીલીભગત હોય છે ? ઉદઘાટન થાય તે પહેલા જ જો થીગડા મારવા પડતાં હોય તો આગળ તો ભગવાન જ આ સ્ટેશનનો ધણી છે તેવું લાગી રહયું છે.

Previous articleસ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે ૪૦થી વધુ પ્રોજેક્ટોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે
Next articleધાનેરાના આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અપાતા ભોજનમાં જીવાત નીકળતા હોબાળોઃ સામસામા આક્ષેપો