શાળાઓમાં બાળકોના આરોગ્યની ચકાસણી માટે અવારનવાર કેમ્પ કરવામાં આવતો હોય છે ત્યારે તાજેતરમાં જ ગાંધીનગરની એક શાળામાં આરોગ્ય ચકાસણી દરમ્યાન ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગર્ભવતી હોવાનું બહાર આવતાં શાળાના શિક્ષકો અને સંચાલકો પણ ચોંકી ઉઠયા હતા. જો કે આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરાઈ હતી. પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડેલા યુવાધન પાછું વાળવું આ ઘટના ઉપરથી જરૂરી બન્યું છે.
હાલમાં સમગ્ર દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ વધી રહયું છે અને ફીલ્મો અને મોબાઈલ મારફતે પણ યુવાધન અવળે રવાડે ચઢી રહયું છે. એક સમયે ફિલ્મો સમાજને સાચી દિશામાં લઈ જવા માટે બનતી હતી પરંતુ અત્યારે યુવાધનને સ્વછંદ અને નાની ઉંમરમાં જ વિકૃત બનાવી દે તેવી બનાવાઈ રહી છે. ત્યારે બાળકોના માતાપિતાએ પણ પોતાની પુત્રી કે પુત્ર ઘરની બહાર શું કરી રહયા છે તેની કાળજી લેવાની જરૂર છે.
બાળકોને આઝાદી આપવાનો વિરોધ નથી પરંતુ બાળક શું કરી રહયું છે અને કોની સાથે ફરી રહયું છે તે જોવાની પણ તસ્દી લેવાની જરૂર છે. ગાંધીનગરમાં બનેલા એક કિસ્સાથી આ બાબત ઉજાગર કરવાની ફરજ પડી છે. શહેરમાં શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત એક શાળામાં કેમ્પ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી થઈ રહી હતી. આ ચકાસણી દરમ્યાન એક વિદ્યાર્થીની પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવતાં તેણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
જેના પગલે શાળાના સંચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. સમાજમાં આવી ઘટનાઓ હવે બની નહીં અને બાળકોને વધારે પડતી છુટછાટ આપતાં માતાપિતા આ ઘટના ઉપરથી બોધપાઠ લઈ ચેતી જાય તે જરૂરી છે.