વર્લ્ડ કપ-ર૦૧૯ : ઈંગ્લેન્ડ પ્રથમવાર વશ્વ ચેમ્પિયન

1169

લંડનઃ આઈસીસી વિશ્વકપ-૨૦૧૯ના વિશ્વકપનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો છે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. આ સાથે ૧૯૯૬ બાદ ક્રિકેટને નવું ચેમ્પિયન મળી ગયું છે. મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૨૪૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૨૪૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે ૧૫ રન બનાવ્યા હતા. તો ન્યૂઝીલેન્ડની ટીમ પણ સુપર ઓવરમાં ૧૫ રન બનાવી શકી હતી. જેથી સુપર ઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમ ઈંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બની હતી.

ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ૧૫ રન બનાવ્યા હતા. તેના માટે બટલર અને સ્ટોક્સે બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે બોલિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલ અને જિમી નીશમે બેટિંગ કરી હતી. બંન્નેએ ૧૫ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે બોલિંગ કરી હતી. વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધાર પર ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

આ સાથે ક્રિકેટનું જનક ઈંગ્લેન્ડે પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. તે ત્રણેય વખત હારી હતી.

આ સાથે ક્રિકેટને નવો વિશ્વ ચેમ્પિયન મળી ગયો છે. છેલ્લે ૧૯૯૬ના વિશ્વકપમાં શ્રીલંકાની ટીમ વિજેતા બની હતી. તો આ સાથે સતત ત્રીજો એવો વિશ્વ કપ છે, જેમાં યજમાન ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૨૪૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૨૪૧ રન બનાવી ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ રહી હતી. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૫ રનની જરૂર હતી. ટ્રેન્ટ બોલ્ટ બોલિંગ કરી રહ્યો હતો. ઈંગ્લેન્ડ અંતિમ ઓવરમાં ૧૪ રન બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી. આ વિશ્વકપની પ્રથમ ફાઇનલ છે, જે ટાઈમાં પરિણમી છે.

બેન સ્ટોક્સે છેલ્લે સુધી શાનદાર બેટિંગ કરી હતી. તેણે જોસ બટલર સાથે સદીની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બેન સ્ટોક્સ ૮૪ રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ૯૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડે ૮૬ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સ અને જોસ બટલર (૫૯)એ પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર ૧૯૬ રન હતો ત્યારે બટલર લોકી ફર્ગ્યુસનની ઓવરમાં આઉટ થયો હતો. બટલરે ૬૦ બોલનો સામનો કરતા ૬ ચોગ્ગા ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડને દરેક મેચમાં શાનદાર શરૂઆત અપાવનાર જેસન રોય અને જોની બેયરસ્ટો મહત્વની મેચમાં ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈંગ્લેન્ડે છઠ્ઠી ઓવરમાં જેસન રોય (૧૭)ની વિકેટ ગુમાવી હતી. મેટ હેનરીએ વિકેટકીપર ટોમ લાથમના હાથે કેચ કરાવીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ જો રૂટ (૭)ને ગ્રાન્ડહોમે વિકેટકીપરના હાથે કેચ કરાવીને કીવીને બીજી સફળતા અપાવી હતી. જોની બેયરસ્ટો (૩૬)ને ફર્ગ્યુસને બોલ્ટ કર્યો હતો. તેણે ૫૫ બોલનો સામનો કરતા ૭ ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગન (૯)ને જિમી નીશામે લોકી ફર્ગ્યુસનના હાથે કેચ કરાવીને યજમાનને ચોથો ઝટકો આપ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટ પર ૨૪૧ રન બનાવ્યા હતા. તેના માટે હેનરી નિકોલ્સે ૫૫ અને ટોમ લાથમે ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે લિયામ પ્લંકેટ અને ક્રિસ વોક્સે ૩-૩ વિકેટ ઝડપી હતી. નિકોલ્સે વિશ્વકપમાં પ્રથમ અને કરિયરની ૯મી અડધી સદી ફટકારી હતી.

કેન વિલિયમસન ૩૦ રન બનાવી આઉટ થયો હતો. તેને લિયમ પ્લંકેટે વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ કરાવ્યો હતો. વિલિયમસને નિકોલ્સની સાથે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી કરી હતી. રોસ ટેલર ૧૫ રન બનાવી માર્ક વુડની ઓવરમાં ન્મ્ઉ આઉટ થયો હતો. જિમી નીશમ ૧૯ રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. કોલિન ડિ ગ્રાન્ડહોમ (૧૬)ને ક્રિસ વોક્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડે પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલ (૧૯)ની ગુમાવી હતી. તેને ક્રિસ વોક્સે ન્મ્ઉ આઉટ કર્યો હતો. ગુપ્ટિલ સતત ૯મી ઈનિંગમાં અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે છેલ્લે શ્રીલંકા વિરુદ્ધ વિશ્વકપની મેચમાં અડધી સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરે ૨૦૦૩ના વિશ્વકપમાં ૬૭૩ રન બનાવ્યા હતા. આજની મેચમાં કેન વિલિયમસન અને જો રૂટની પાસે તેનો રેકોર્ડ તોડવાની તક હતી. પરંતુ વિલિયમસન ૩૦ અને જો રૂટ ૭ રન બનાવી આઉટ થઈ ગયા હતા. આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા (૬૪૭) અને ડેવિડ વોર્નર (૬૪૭) પણ સચિનનો રેકોર્ડ તોડવાનું ચુકી ગયા હતા.

Previous articleસોનગઢ : યુવાનની હત્યાનો આરોપી ઝડપાયો
Next articleઅથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા