ચોમાસાની વિધિવતરીતે શરૂઆત થઇ ગઇ છે આવી પરિસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણને ટકાવી રાખવા ઉપરાંત પોતાની સામાજિક જવાબદારી નીભાવે તે માટે જિલ્લામાં વૃક્ષમિત્ર યોજના દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની દરેક પ્રાથમિક શાળાના બાળકોએ સરગવાના છોડ સિહત અન્ય ઔષધિય વનસ્પતી ઉપરાંત અન્ય ફળાઉ વૃક્ષના રોપા વાવવા અને તેને ઉછેરવા સુચન કરવામાં આવ્યું છે. દરેક શાળાના સંકુલમાં તેમજ ગામમાં ૫૦૦ જેટલા રોપા ઉછેરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
એક સમયે સમગ્ર દુનિયાનું ગ્રીનસીટી ગાંધીનગર હતું. પરંતુ વિકાસની આંધળી દોડમાં સેંકડો વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે તો બીજીબાજુ વૃક્ષ ઓછા થઇ જવાને કારણે ગાંધીનગર શહેર અને જિલ્લાનું વાતાવરણ પણ ફેરવાઇ ગયું છે. ત્યારે ગ્લોબલ ર્વોમિંગ અને ક્લાઇમેઇટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા જીલી રહેલા ગાંધીનગર માં વૃક્ષો વાવવા માટે દરેક તંત્રને આહવાહન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વન વિભાગે તો પોતાની આરક્ષિત જગ્યામાં રોપા વાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે આ પ્રવૃતિમાં શિક્ષણ વિભાગ પણ આગળ આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન દરેક શાળાઓમાં વૃક્ષારોપણ કરવા તેમના તરફથી આદેશ કરી દેવમાં આવ્યો છે. જે અંતર્ગત દરેક શાળાએ તેમના સ્ટાફ અને વિદ્યાર્થીઓ પાસે ૫૦૦ રોપા વાવવા અને તેનો ઉછેર કરાવવાનો પણ રહેશે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વૃક્ષમિત્ર યોજના અંતર્ગત દરેક શાળામાં સરગવાના છોડ ઉપરાંત ઔષધિય વનસ્પતિ ઉગાડવા શાળાઓને જણવવામાં આવ્યું છે. એટલુ જ નહીં, શાળાની સંકુલમાં જગ્યા ઓછી હોય તો ગામમાં પણ વૃક્ષારોપણ કરવા સુચના આપવામાં આવી છે. તો વૃક્ષારોપણની સારી કામગીરી કરનાર શાળા અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવશે.