દયા, કરુણા, સહાનુભૂતિ અને સંવેદના વ્યક્તિને માનવતાના પ્રદેશમાં આગળ વધવા પ્રકાશ આપે છે. વર્ષ ૧૭૮૪ માં અંધજનો પણ શિક્ષણ લઇ શકે તેવા ઉમદા ઉદ્દેશથી સ્થપાયેલી ફ્રાંસનાં પેરીસ શહેરની અંધશાળાએ ખાસ કરીને અંધજનોનાં જીવનમાં જ્ઞાનનાં ઉજાસ પાથર્યા. સમયાંતરે વિકલાંગોનાં શિક્ષણને વ્યાપક સ્તરે દુનિયાભરમાં આવકાર મળ્યો. પ્રારંભમાં ખાસ શાળાઓએ વિકલાંગોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી લઇ તેને વિકસાવવા યત્કિંચિત યત્ન કર્યો. ત્યારબાદ આવા બાળકોને સામાન્ય બાળકોની શિક્ષણ વ્યવસ્થામાં સમાવી લેવા વિશ્વનાં દેશોએ નવો ચીલો ચાતર્યો. ડબ્લ્યુ.એચ.ઓ. એ ઈન્ટિગ્રેશન એટલે કે સંકલિત શિક્ષણનો નવો કાર્યક્રમ આપ્યો. જેને આપણા દેશમાં વર્ષ ૧૯૭૪માં પ્રાયોગિક રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં વર્ષ ૧૯૮૧માં રાષ્ટ્રીય અંધજન સંઘ-મહેસાણાએ ગુજરાતમાં પ્રથમ આ કાર્યક્રમની શરૂઆત કરી. લગભગ ૯૦નાં દાયકામાં રાજ્યભરમાં આ કાર્યક્રમનો વિસ્તાર થયો. વર્ષ ૧૯૯૨ માં આ યોજનામાં કેટલાક સુધારાઓ (સ્કીમ રિવાઈઝ) દાખલ થયા. ભારત સરકારનાં ૧૦૦ % અનુદાનથી આરંભ થયેલી આ યોજના દ્વારા વિકલાંગ બાળકોનો સર્વે અને તેની જરૂરિયાતોનો અભ્યાસ કરી જરૂરિયાતમંદ બાળકોને ખોળી ખાઢ્યા. લગભગ ૨૦૦૪ માં નલિનભાઈ પંડિત (નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી.) નાં સંનિષ્ઠ પ્રયત્નોથી ૮૦ હજારથી વધુ બાળકોને આવરી લઇ શિક્ષણની સેવાઓનો વિસ્તાર થયો, એટલું જ નહિ આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા રાજ્યભરનાં ૧૨૦૦ થી વધુ કાર્યરત શિક્ષકોને અસરકારક તાલીમ આપવા પાલિતાણા મુકામે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ભાવનગરની રાષ્ટ્રીય અંધજનમંડળ-જિલ્લાશાખાના તજજ્ઞો દ્વારા મંથન નામનું મૉડ્યુલ તૈયાર કરવામાં આવ્યું. જેના માધ્યમથી શક્ષકોની આ તાલીમ અસરકારક બની હતી. પરંતુ સૃષ્ટિનાં નિયમ મુજબ જે પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે, તેનો અંત આજ નહિ તો કાલ નિશ્ચિતપણે આવતો હોય છે. જે રીતે સવારમાં ઊગેલો સૂર્ય સાંજના અસ્ત પામે છે તેમ જગત પણ પરિવર્તનશીલ છે.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ સને ૨૦૦૬ ના ડિસેમ્બર મહિનાની ૧૩મી તારીખે અશક્ત વ્યક્તિઓના કલ્યાણને ઉત્તેજન મળે તેવા હેતુથી કેટલાક ઠરાવો પસાર કર્યા. સભા દ્વારા પસાર થયેલ ઠરાવોના આધારે એક ઘોષણાપત્ર તૈયાર થયું. આ ઘોષણાપત્ર મુજબ અશક્ત બાળકો પણ સામાન્ય બાળકો સાથે કોઈ વિશિષ્ટ માળખાકીય સવલતો વિના જ સામાન્ય બાળકોના વર્ગખંડમાં શિક્ષણની સેવાઓ મેળવી શકે, એટલું જ નહીં, આ કાર્યક્રમ સામાન્ય શિક્ષણનો જ હિસ્સો બની જાય તેવા પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશો સંમત થયા. તેમાં ભારત સરકારે પણ પોતાની સંમતિ આપી. આમ, અશક્ત બાળકોના શિક્ષણના દ્વાર સામાન્ય બાળકો સાથે કોઈ વિશિષ્ટ ફેરફાર વિના પણ શિક્ષણ મેળવી શકે તે દિશામાં આગળ વધવા ખુલ્યા. પરિણામે ભારત સરકારે ૧૯૯૫ના વિકલાંગ વ્યક્તિઓના કાયદામાં સુધારા લાવવા પોતાના પ્રયત્નો શરૂ કર્યા. એટલું જ નહીં તેમણે ઇન્ટિગ્રેશન યોજનાના સ્થાને નવી યોજના દ્વારા સંયુક્ત રાષ્ટ્રની વિભાવનાઓને બર લાવવા સમાવેશી શિક્ષણનો ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો. ભારત સરકારે પોતાની આ યોજનાને અસરકારક બનાવવા ૨૦૦૯માં સંકલિત શિક્ષણ યોજના દેશભરમાં બંધ કરી. રાજ્ય સરકારે ધોરણ ૦૧ થી ૦૮ માં અભ્યાસ કરતા બાળકો માટે ભારત સરકારનાં આર્થિક સહયોગથી સર્વશિક્ષા અભિયાન નીચે નવી યોજના દાખલ કરી. શિક્ષણથી વંચિત વિકલાંગ બાળકોને ૧૦૦ % નામાભિધાન કરી શિક્ષણની સેવા નીચે આવરી લીધા. જ્યારે માધ્યમિક તબક્કે ભારત સરકારની નવી સંમિલિત શિક્ષણ યોજના શરૂ કરવામાં આવી. સંકલિત શિક્ષણ યોજના બંધ થવાથી બેરોજગાર બનેલ ૧૨૦૦ થી વધુ વિશિષ્ટ શિક્ષકોને તબક્કાવાર આ યોજનામાં સમાવી લેવા સંગઠનો અને બેરોજગાર બનેલ વિશિષ્ટ શિક્ષકોની માંગણીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આયોજન ઘડવામાં આવ્યું. પરંતુ યોજનાના માળખામાં વિશેષ પરિવર્તન ક્યાંય દૃષ્ટિપાત થયું નહીં. કારણ કે યોજનાનું સંકલન અને દેખરેખ જી.સી.ઈ.આર.ટી. ને સોંપવામાં આવી. જી.સી.ઈ.આર.ટી. એ તેનું અમલીકરણ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી જ કર્યું. જે યોજના સરકારનો હિસ્સો બની વિકલાંગ બાળકોના સમાવેશી કાર્યને વેગ આપવા અમલમાં મુકાઈ હતી. તે ચરિતાર્થ થઇ શક્યું નહિ. તેમજ તેના અમલીકરણ માટે કોઈ માર્ગદર્શિકા નહિ હોવાના કારણે અગાઉની સંકલિત શિક્ષણ યોજનાનું જ પુનરાવર્તન થયું. પરિણામે વિકલાંગ બાળકોનું શિક્ષણ સ્વૈચ્છિક સંસ્થાઓને આધારિત અને સમાવેશી કાર્યક્રમથી અળગું રહ્યું. આ કાર્યક્રમ બેરોજગાર બનેલ વિશિષ્ટ શિક્ષકો થાળે પાડવા પૂરતો વિકલ્પ બની ગયો.
દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમમાં પણ વિશિષ્ટ શિક્ષકો દ્વારા દાખલ કરાયેલ દાવાને પગલે કોર્ટના આવેલ હુકમને લઇ આ શિક્ષકોને પણ સામાન્ય શિક્ષકો જેવા જ આર્થિક લાભ આપવામાં આવ્યા, જે આવકારદાયક બાબત ગણાય. પરંતુ સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી ૮ માં કૉન્ટ્રાક્ટ બેઝથી કામ કરતાં શિક્ષકો પણ વિકલાંગ બાળકોને જ શિક્ષણ આપે છે તેથી તેને પણ ઉપર મુજબના લાભ રાજ્ય સરકારે આપવા જોઈએ. કારણ કે દેશના બંધારણ મુજબ ‘સમાન કામ, સમાન વેતન’ નો અધિકાર દરેકને લાગુ પડે છે. જોકે આપણા દેશમાં ‘બોલે તેના બોર વેચાય છે’ તેથી મૌન ધારણ કરનાર લોકોએ અન્યાય સહન કરવાની તૈયારી રાખવી જ રહી.
આઝાદી સમયે અસ્તિત્વમાં આવેલી અથવા તે પહેલા કાર્યરત બનેલી ખાસ શાળાઓને ૭૦ના દાયકામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ મહેકમ મંજૂર કરી સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો. સમયાંતરે તેમાં વધારો પણ થતો રહ્યો એટલું જ નહીં, આવી સંસ્થાઓને આપવામાં આવતા અનુદાનમાં પણ સમયાંતરે સુધારાઓ કરવામાં આવ્યા. વર્ષ ૧૯૯૨માં રાજ્ય સરકારે આવી સંસ્થાઓને અનુદાન આપવા આર. કે. શાહ સમિતિની રચના કરી, ગ્રાન્ટ ઇન કોડ ૧૯૯૨ તૈયાર કર્યો. તદનુસાર આવી સંસ્થાઓને જગ્યાઓની ફાળવણી પણ કરવામાં આવી. સમય પાણીના પ્રવાહની જેમ વહી રહ્યો હતો. કેટલાક રાજકીય પરિવર્તનો થતાં, પ્રથમ ૨૦૦૬ માં છઠ્ઠા પગારપંચના પગલે વિશિષ્ટ સંસ્થાઓની ૨૪૯ જગ્યાઓ રદ કરવામાં આવી. બરાબર ૧૦ વર્ષ બાદ સાતમા પગાર પંચના અમલ સમયે આવી સંસ્થાઓની વધુ ૨૪૧ જગ્યાઓ રદ કરવામાં આવી. એટલું જ નહીં ૨૦૧૬ પછી વયમર્યાદાના કારણે ખાલી પડેલ ૧૧૫ પૈકીની ૫૪ જગ્યાઓ રદ કરી દેવામાં આવી છે. તો વર્ગ-૪ની આવી સંસ્થાની તમામ જગ્યાઓ આઉટર્સોસિંગથી ભરવામાં આવે છે. પરિણામે વિકલાંગ બાળકોની શુશ્રુષા અને તેની સંભાળ પર ગંભીર અસર પડી છે. નોધારા બનેલા આ બાળકો અનેકવાર નાની-મોટી ઇજા થવાના કારણે સ્ટાફના અભાવે સમયસર સારવાર મેળવી શકતા નથી. તો ભોજનાલયમાં આઉટર્સોસિંગથી મુકાયેલા બેજવાબદાર અને નિરંકુશ કર્મચારીઓના કારણે સ્વાદહીન ભોજન લેવા અંતેવાસીઓ મજબૂર બને છે. આ અંગે રાજ્ય સરકારને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા રદ કરાયેલ જગ્યાઓ પુનઃજીવિત કરવા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમજ વર્ગ-૪ ની જગ્યાઓ આવી સંસ્થાઓને સીધી ભરતીથી આપવા અનેકવાર રજૂઆત થઈ છે. તેમ છતાં સંવેદનાના દ્વાર ખુલ્યા નથી. જોકે આમાં બોર વેચવાવાળા વેપારીઓનો પણ થોડો વાંક છે. તમે સમજયા નહીં, બોલ્યા વિના બોર વેચાય નહીં! તમે કહેશો- બોલનારની બોબડી બંધ કરી દેવામાં આવે છે એનું શું? જવા દો આ બધી વાત. વિચારોની વાટિકામાં મારે તો એટલું જ કહેવું છે કે-સરકારનાં નિર્ણયથી નારાજ થયેલ સ્વૈચ્છિક સંગઠનોએ પણ સંમિલિત શિક્ષણ એટલે કે સમાવર્તી શિક્ષણનો વિચાર સમજવો પડશે. હવે જ્યારે સરકાર વિકલાંગ બાળકોના શિક્ષણની જવાબદારી વહન કરવા માધ્યમિક તબક્કે સંમિલિત શિક્ષણ યોજના હાથ પર લેવા તૈયાર થઈ છે ત્યારે તેમાં રોડા નાખી વિકલાંગ બાળકોના શિક્ષણના નામે કોઈ વકિલાત કરવાનું કારણ રહેતું નથી. વકિલાત કરવી જ હોય તો આવા બાળકોના શૈક્ષણિક કાર્યક્રમો સ્વૈચ્છિક રીતે તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે રહી તેને અમલમાં મૂકવા પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. આવા શિક્ષકોની તાલીમ, તે માટેનું જરૂરી મટિરિયલ, મૉડ્યુલ, ટી.એલ.એમ. વગેરે તૈયાર કરવા આગળ આવવું જોઈએ. આ માટે સંશોધન હાથ ધરવું, મનોવૈજ્ઞાનિક ભાષાઓ સહિત આયોજનપૂર્વક શૈક્ષણિક કાર્યક્રમને વિકલાંગ બાળકોના હિતમાં સામાન્ય શાળાઓમાં પણ અસરકારક રીતે અમલમાં મૂકવા પોતાનું યોગદાન આપવું જોઈએ. જો આમ મોટું મન રાખી દરેક સંસ્થાઓ પોતાની જવાબદારી અદા કરી શકશે તો સમગ્ર દેશમાં આપણા રાજ્યનો સમાવર્તી શિક્ષણનો આ કાર્યક્રમ આદર્શ પુરવાર થશે-તેની મને શ્રદ્ધા છે.
વિશિષ્ટ શિક્ષક સંમિલિત શિક્ષણ યોજનાનો આત્મા છે. તેણે સ્વૈચ્છિક સંસ્થાઓના માર્ગદર્શન અને નિયંત્રણ નીચે વિકલાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘણી અગત્યની ભૂમિકા ભજવી છે. હવે આ કાર્યક્રમ શાળા વિકાસ સંકુલ નીચે મૂકવામાં આવતા વિશિષ્ટ શિક્ષકો પોતાની આગવી સૂઝથી કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકશે. પરંતુ આઝાદ અને મુક્ત થયેલ આ શિક્ષક વિકલાંગ બાળકોના શૈક્ષણિક હિતને બાજુ પર મૂકી પોતાની આઝાદીનો ગેરલાભ લઈ માત્ર આર્થિક ઉપાર્જન પૂરતી પોતાની સેવા મર્યાદિત બનાવી દેશે તો વિકલાંગોનું શિક્ષણ ‘ઊલમાંથી ચૂલ’માં પડશે. પરિણામે વિકલાંગ બાળકો નોધારા થશે. જ્યારે વિશિષ્ટ શિક્ષકો સામ, દામ, દંડથી લક્ષ્મીપતિ બની વૈભવી સગવડો પામશે.
આ સમસ્યાને રોકવા રાજ્ય સરકારે ખાસ માળખાકીય વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી પડશે. આમ થશે તો જ સંયુક્ત રાષ્ટ્રની ૨૦૦૬ની સામાન્ય સભામાં થયેલ ઠરાવોની વિભાવના ચરિતાર્થ થશે.