આમ તો ઘુવડને અપશુકનીયાળ માનવામાં આવે છે પરંતુ ધીરે ધીરે ઘુવડની વસ્તી ઘટી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઘુવડને સીડયુલ ફોરમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તેનું સંવર્ધન થાય તે માટેના પ્રયત્નો પણ કરાઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં ગઇકાલે માણસા તાલુકાના ખડાત ગામે એક ઘુવડ પાંખના ભાગે ઇજા થઇ હોવાના કારણે ઉડી શકતું ન હતું.
આ બાબતે સ્નેક સ્કવોર્ડને કોલ આવતાં મયુર પારેખ ત્યાં પહોંચી ગયા હતા અને આ ઘુવડને રેસ્ક્યુ કરી સેક્ટર-૩૦ના પશુ દવાખાને લઇ ગયા હતા અને જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી અને ગીરફાઉન્ડેશનને આ ઘુવડ સોંપાયું હતું.આ નિશાચર પક્ષી અંગે મયુર પારેખે જણાવ્યું હતું કે, ભારતમાં ઘુવડની ૩૮ જાત છે.
જેમાં આ રેસ્ક્યુ કરાયેલું ઘુવડ બર્ન-આઉલ એટલે કે રેવીદેવી ઘુવડ છે. આ ઘુવડ પણ અન્ય ઘુવડની જેમ પોતાની ગરદન ૩૬૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે અને દિવસ તથા રાત્રે વધુ સારી રીતે જોઇ શકે છે. નાના સ્તનધારી પ્રાણીઓ તેના ખોરાક છે. તો તાંત્રિક અને મેલી વિદ્યા માટે પણ ઘુવડનો શિકાર કરવામાં આવતો હોય છે. જેના કારણે સરકારે ઘુવડને સીડયુલ ફોરમાં રાખ્યું છે. ઘુવડ ખાસ કરીને ટેકરીના બખોલમાં, ખોઠારમાં તેમજ ખંડેર જેવી અવાવરી જગ્યામાં રહેવાનું પસંદ કરે છે.