ચલણનું એક કાઉન્ટર હોવાથી માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં લાઇનો લાગી

1024

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં માર્કશીટમાં સુધારા વધારા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને ગાંધીનગર સુધી આ સુધારો કરવા માટે ફરજીયાત આવવું પડતું હોય છે. ત્યારે ચલણ ભરાયા બાદ જ સુધારો થતો હોય છે. આમ ચલણ ભરવા માટેનું એક જ કાઉન્ટર હોવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને લાઇનોમાં ઉભા રહેવું પડે છે અને હેરાન પરેશાન થવાની નોબત આવી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના પરીણામ જાહેર કરાયા બાદ જે માર્કશીટમાં ભુલો થઇ હોય તેને સુધારવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેના પગલે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને ફરજીયાત માર્કશીટમાં સુધારો કરવા માટે ગાંધીનગર સુધી આવવું પડે છે.

માર્કશીટમાં નામ, અટક તથા ગુણ સહિત અન્ય સુધારા વધારા માટે બોર્ડની કચેરીએ મોટી સંખ્યામાં દુર અંતરના વિદ્યાર્થીઓ હાલમાં આ કામગીરી માટે આવી રહ્યાં છે. આ સુધારા વધારા કરવા માટે બોર્ડ દ્વારા નિયત કરાયેલી રકમનું ચલણ ભરવાનું હોય છે.

આ ચલણ ભરાયા બાદ જ વિદ્યાર્થીને ટોકન અપાયા બાદ સુધારો વધારો કરવામાં આવતો હોય છે. શિક્ષણ બોર્ડની કચેરીમાં ચલણ ભરવા માટે એક જ કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. રોજના અસંખ્ય વિદ્યાર્થીઓ સુધારો વધારો કરવા આવતાં હોય છે અને એક કાઉન્ટર હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ નંબર આવતો હોય છે.

તડકો તેમજ વરસાદમાં પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંઇનમાં ઉભા રહેવાની નોબત આવતી હોય છે જેના પગલે હેરાન પરેશાન થઇ ગયેલા વિદ્યાર્થીઓમાં પણ તંત્રની આ પ્રકારની વ્યવસ્થા સામે રોષ ઠાલવી રહ્યાં છે. હજારોની સંખ્યામાં આવતાં વિદ્યાર્થીઓ માટે ચલણનું એક જ કાઉન્ટર હોવાથી વિદ્યાર્થીઓના સમયનો વ્યય થઇ રહ્યો છે.

Previous articleમશીનરી છતાં સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે!
Next articleમાનહાનિ કેસ : કેજરીવાલ તેમજ સિસોદિયાને જામીન