ચાંદીપુરમ વાઇરસથી ૫ વર્ષની બાળકીનું મોત

491

વડોદરા નજીક ભાયલી ગામમાં પાંચ વર્ષીય બાળકીનું ચાંદીપુરમ વાઇરસથી મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ ભાયલી ગામમાં દોડી ગઇ હતી અને ગામમાં ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ ચાર બાળકોમાં ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં તપાસ હાથ ધરી છે. ચાંદીપુર વાયરસનો ફેલાવો અન્ય વિસ્તારોમાં ના થાય તે માટે તંત્ર દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી. ભાયલીની પાંચ વર્ષની બાળકીને કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ તબિયતમાં સુધારો ન થતાં તેને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે, સારવાર દરમિયાન તા.૨૮ જૂનના રોજ બાળકીનું મોત થયું હતું. શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની શંકાને પગલે તબીબોએ તેના નમૂના પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. જેનો નમૂનો પોઝિટિવ આવતા હવે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરમ વાઇરસના રિપોર્ટ બાદ દાહોદ જિલ્લાના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં ચાર બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણોને પગલે આરોગ્ય વિભાગની ટીમો આ ગામોમાં દોડી ગઇ હતી અને ચારેય ગામમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક બાળકોના રિપોર્ટ કરીને તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાંદીપુરમ વાઇરસને પગલે દાહોદ જિલ્લાના ૩૪ હજાર જેટલા કાચા ઘરોમાં ડસ્ટીંગ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવલે જણાવ્યું હતું કે, ચાંદીપુરમ વાઇરસ ૧૪ વર્ષ સુધીના બાળકોમાં ફેલાઇ શકે છે. ૨૪થી ૭૨ કલાકમાં ઝાડા, ઉલ્ટી અને તાવ આવે છે અને બાળક બેભાન પણ થઇ જાય છે.

જો આ લક્ષ્ણો બાળકોમાં દેખાય તો સરકારી હોસ્પિટલમાં તુરંત સારવાર લેવા માટે અમે લોકોને અપીલ કરીએ છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સેન્ડ ફ્‌લાય માખ એ મકાનોની તિરાડોમાં જોવા મળે છે. જેથી સાવચેતીના ભારરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખા કપડાં પહેરાવવા પણ જરૂરી બની જાય છે. અને રાત્રે સુતી વખતે મચ્છર દાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

ચાંદીપુરમ માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી તેના માટે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. અમે ભાયલી ગામમાં આસપાસ મેલેથિન પાઉડરના છંટકાવની કામગીરી હાથ ધરી છે. ચાંદીપુરમ વાઇરસનો ફેલાવો સેન્ડ ફ્‌લાયથી થાય છે. આ માખ સામાન્ય માખથી પાંચ ગણી નાની હોય છે, પણ ઘરે ઉડતી માખ જેવી જ દેખાય છે. આ માખની બીજી ખાસિયત એ છે કે, ઇંડામાંથી કોશેટામાંથી માખમાં ફેરવાયા બાદ માંડ પાંચ ફૂટ જ દૂર જાય છે. આ માખ સૌથી વધુ ઇંડા કાચા મકાનોની તિરાડમાં આપે છે. તેથી સેન્ડફ્‌લાયના ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવામાં આવે છે.

Previous articleછેલ્લા બે વર્ષમાં ગેરકાયેદસર લાયન શો કરતા ૭૪ ઝડપાયા
Next articleરાજ્યમાં બે વર્ષમાં ૧૨૮૭ ખાનગી શાળાને મંજૂરી મળી