રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં રખડતાં ઢોર પકડતી પાર્ટી ઉપર અવારનવાર હુમલાની ઘટના બનતી હતી ત્યારે કોર્પોરેશન દ્વારા રાજયના પોલીસ વડાને રજૂઆત કરી આ ઢોરપકડ પાર્ટીને એસઆરપી બંદોબસ્ત ફાળવવા માંગણી કરવામાં આવી હતી. આખરે રાજય પોલીસ વડાએ કોર્પોરેશનની આ દરખાસ્તને ગ્રાહય રાખી છે અને એસઆરપીના ૩૧ જવાનોનો સ્ટાફ ફાળવવાનું નક્કી કર્યું છે. જોકે કોર્પોરેશન જરૂરીયાત પ્રમાણે પોલીસ જવાનોનો ઉપયોગ કરશે. જે માટે આગામી સમયમાં સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્તને મંજુરી આપવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતાં પશુઓને પકડવા માટે ઢોરપકડ પાર્ટી સક્રિય કરવામાં આવી છે. જો કે શહેરમાં રખડતાં આવા પશુઓને પકડવા જતી આ ઢોરપકડ પાર્ટી ઉપર અવારનવાર હુમલાની ઘટના બનવા પામે છે. ઘણા કિસ્સામાં તો પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
જેના પગલે ઢોરપકડની કામગીરી અસરકારક રીતે થઈ શકે અને આ પાર્ટી ઉપર હુમલાની ઘટના ના બને તે હેતુથી કોર્પોરેશન દ્વારા અગાઉ પણ રાજયના પોલીસ વડાને રજૂઆત કરી પોલીસ બંદોબસ્ત ફાળવી આપવા માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશનની આ માંગણી ગ્રાહય રાખવામાં આવી નહોતી. ત્યારે બીજીવાર ઢોર પકડ પાર્ટી ઉપર થયેલા હુમલાના પગલે કોર્પોરેશને ફરી રાજયના પોલીસ વડાનું ધ્યાન દોર્યું હતું અને ઢોરપકડ પાર્ટી માટે બંદોબસ્ત તાત્કાલિક ફાળવવા રજૂઆત કરી હતી.
ત્યારે કોર્પોરેશનની આ દરખાસ્ત આખરે રાજયના પોલીસ વડાએ ગ્રાહય રાખી છે અને એસઆરપીના ૩૧ પોલીસ જવાનોનું મહેકમ કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટી માટે મંજુર કર્યું છે. જેમાં એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે કોર્પોરેશન દ્વારા આ પોલીસ જવાનોના પગારનો ખર્ચ ઉઠાવવાનો રહેશે. જેથી હવે કોર્પોરેશન પણ આ ૩૧ નહીં પરંતુ જરૂરીયાત મુજબના એસઆરપી જવાનો ઢોરપકડ પાર્ટીના બંદોબસ્ત માટે ઉપયોગ કરશે.