એક બાજુ રાજ્ય સરકારે બાળકોને તંદુરસ્થ બનાવવા માટે બાળ તંદુરસ્થ સ્પર્ધા સહિતની વિવિધ યોજના શરૂ કરીને ગુજરાત તંદુરસ્થ હોવાનું દરેક ભાષણોમાં નેતાઓ ગુલબાંગો પોકારે છે. તો બીજીબાજુ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળે છે. ગાંધીનગર જિલ્લામાં ૪,૨૬૫ બાળકો કુપોષિત કેટેગરીમાં છે. જેમાં ઓછા વજનવાળા ૩,૫૨૯ જેટલા છે. જ્યારે ૭૩૬ બાળકો ગાંધીનગર જિલ્લામાં અતિ ઓછા વજનવાળા છે.
ગુજરાતમાં બાળકોની સાથે રાજ્યનું ભાવી પણ સ્વસ્થ્ય બને તે માટે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં બાળકોને ખાસ પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. એટલુ જ નહીં,વિવિધ યોજનાઓ અંતર્ગત જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ તેને પોષણ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પંરતુ બાળકોને ’પોષિત’ કરવાની યોજના જાણે બાળકો સુધી પહોંચતી જ ન હોય તેમ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ખાસ જોવા મળે છે. ગાંધીનગર જિલ્લામાં કુપોષિત ગ્રેડમાં ચાર હજાર બાળકોનો સમાવેશ થાય છે. તો અતિ કુપોષિત ગ્રેડમાં જિલ્લાના ૩,૫૨૯ બાળકો નોંધાયા છે.
આ અંગે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે આજે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો જેનો જવાબ આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ સ્વિકાર્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં ઓછા વજનવાળા ૩,૫૨૯ જ્યારે અતિ ઓછા વજનવાળા ૭૩૬ બાળકો નોંધાયા છે. કુપોષણ દુર કરવા માટે છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લાના તમામ ઘટકોમાં બાળકોને બાળશક્તિ ટેક ઓમરેશન શરૂ થાય ત્યાં સુધી હાલમાં વચગાળાની વ્યવસ્થા સ્વરૂપે આંગણવાડીના છ માસથી ત્રણ વર્ષના બાળકો , ત્રણ વર્ષથી છ વર્ષના અતિ ઓછા વજનવાળા લાભાર્થી બાળકોને ઘઉં, મગદાળ અને તેલ ઘરે લઇ જવા માટે આપે છે. આ ઉપરાંત ત્રણથી છ વર્ષના ઓછા અતિ ઓછા વજનવાળા બાળકોને ત્રીજુ ભોજન તરીકે ઘરે લઇ જવા માટે કેલેરી પ્રોટીનસભર પ૦ ગ્રામનો લાડું આપવામાં આવે છે. એટલું જ નહીં તમામ આંગણવાડી કેન્દ્રમાં ડબલ ફોર્ટિફાઇડ મીઠું તેમજ ફોર્ટિફાઇડ તેલ પુરુ પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આંગણવાડીમાં ત્રણથી છ વર્ષના તમામ બાળકોને ગરમ નાસ્તો અને બપોરનું ભોજન ઉપરાંત અઠવાડીયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે. તેમ છતાં કુષોપિત બાળકો મળી આવી રહ્યા છે. ત્યારે સરકારની આ યોજના બાળકો સુધી પહોંચે છે કે નહીં તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.