કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકારના ભાવિનો ફેંસલો આવતીકાલે થનાર છે. વિધાનસભામાં ૧૮મી જુલાઈના દિવસે વિશ્વાસમત ઉપર ચર્ચા થનાર છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગૃહમાં બહુમત પરીક્ષણ પહેલા ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોને ગૃહમાં કાર્યવાહીમાં સામેલ થવા માટે ફરજ પાડી શકાય નહીં. આનો મતલબ એ થયો કે, આ ધારાસભ્યો બહુમત પરીક્ષણ વેળા ગૃહમાં હાજર રહે કે ન રહે તે નિર્ણય તેમના પોતાના ઉપર રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પીકર કેઆર રમેશ ધારાસભ્યોના મામલે નિર્ણય કરનાર છે. એવી શક્યતા પણ છે કે, સ્પીકર રમેશકુમાર ધારાસભ્યોના રાજીનામાને સ્વીકાર કરી લેશે. એક કોંગ્રેસી ધારાસભ્ય રોશન બેગ સસ્પેન્ડ થયેલા છે. બહુમતિ હાંસલ કરવા માટે કુમારસ્વામીને ૧૦૫ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. રાજીનામા મંજુર થવા ઉપર કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૭૯થી ૬૬ થશે જ્યારે જેડીએસ ધારાસભ્યોની સંખ્યા ૩૭થી ઘટીને ૩૪ થશે. આવી સ્થિતિમાં ભાજપને ફાયદો થશે. જો સ્પીકર તમામને અયોગ્ય જાહેર કરશે તો સંખ્યાબળ ઘટી જશે.
આવી સ્થિતિમાં ૨૦૯ ધારાસભ્યોની પાસે જ બહુમત પરીક્ષણ માટેનો અધિકાર રહેશે. બહુમતિનો આંકડો ૧૦૫ થઇ જશે. અગાઉ કર્ણાટકમાં રાજકીય કટોકકટી વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના બેલેન્સ ચુકાદાના કારણે સસ્પેન્સની સ્થિતી વધારે ગંભીર બની ગઇ છે. સુપ્રીમના ચુકાદાથી રાજ્યમાં કટોકટીને લઇને નવા વળાંક આવી શકે છે. સુપ્રીમ કોર્ટે એકબાજુ ૧૫ બળવાખોર ધારાસભ્યના રાજીનામા અંગે નિર્ણયનો અધિકાર સ્પીકર કેઆર રમેશ પર છોડી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે બળવાખોર ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સરકાર ફરજ પડી શકે નહીં. આ આદેશ જારી કરીને સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને મોટો ફટકો આપી દીધો છે. આ નિર્ણય બાદ હવે બંને પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. હવે તમામની નજર આવતીકાલે ગુરૂવારના દિવસે થનાર કુમારસ્વામીના શક્તિ પ્રદર્શન પર કેન્દ્રિત થઇ ગઇ છે. મુખ્યપ્રધાન કુમારસ્વામીના નેતૃૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર આવતીકાલે વિશ્વાસ મત લેનાર છે. સત્તા કુમારસ્વામી બચાવી શકશે કે કેમ તે અંગે હવે આવી જશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ દિપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની બેંચે ચુકાદો આપતા કહ્યુ છે કે ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય સ્પીકર દ્વારા કરવામાં આવનાર છે. કોર્ટે કહ્યુ હતુ કે સ્પીકર નિયમો મુજબ નિર્ણય કરવામાં આવનાર છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે અમને આ જટિલ મામલામાં બંધારણીય બેલેન્સ રાખવાની જરૂર છે. સ્પીકહર પોતે નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે.
કોર્ટે કહ્યુ હતુ કે સ્પીકર નિયમો મુજબ યોગ્ય નિર્ણય કરે તે જરૂરી છે. કર્ણાટક સરકારને મોટો ફટકો આપીને ૧૫ ધારાસભ્યોએ હાલમાં રાજીનામુ આપીદીધુ હતુ. જેથી કુમારસ્વામી સરકાર પતનના કિનારે પહોંચી ગઇ છે. સરકાર બચી જશે કે ટકી જશે તે અંગે હવે આવતીકાલે જાણી શકશે.