દેશ-દુનિયાના કરોડો લોકોએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો નિહાળી રોમાંચિત સાથે ભાવ-વિભોર બન્યા હતા. આકાશમાં ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરીએ ૪૦૦ જિલ્લામાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. રાજયમાં ગ્રહણ સમયે નિદર્શન સાથે ચા-નાસ્તો કરી સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી નકારાત્મક ફળકથનોની ગામેગામ હોળી કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. દેશમાં અમુક રાજ્યોમાં વાદળા બાધારૂપ થયા હતા પરંતુ વાદળાની સંતાકૂકડી વચ્ચે ગ્રહણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમ ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં ૧૪૦૦ છાત્રાઓની હાજરીમાં ગ્રહણ નિદર્શન સાથે ચા-નાસ્તો કરી નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવી હતી. ટ્રસ્ટી જગદીશભાઈ વેકરીયાએ રાજયકક્ષા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા ફગાવવા અનુરોધ કર્યો હતો. પ્રિન્સિપાલ દેસાઈએ સ્વાગત કરી કન્યા વિદ્યાલયમાં થતી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડૂક, રવજીભાઈ દેવાણી, રવજીભાઈ માંડણકા સમગ્ર ટ્રસ્ટી મંડળે જાથાનો અવકાશી ઘટના કાર્યક્રમને સહકાર આપી ૧૪૦૦ દિકરીઓને ગ્રહણની પળેપળની માહિતી માટેની વ્યવસ્થા કરી આપી હતી. છાત્રાઓ વહેલી પરોઢ સુધી ટેલીસ્કોપ, દૂરબીન અને નરી આંખે ગ્રહણનો સ્પષ્ટ નજારો નિહાળ્યો હતો. ખગોળ તજજ્ઞ દિલીપભાઈ દેવમુરારીએ છાત્રાઓ, જાગૃતોને ગ્રહણ સંબંધી વાકેફ કરી ટેલીસ્કોપમાં ચંદ્રની વિવિધ કળા, પડછાયાની રમતથી વાકેફ કરી મંત્રમુગ્ધ કર્યા હતા. આકાશમાં બનતી ખગોળીય ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજ્યમાં એક હજારથી વધુ નાના-મોટા નગરો, સ્થળો, આશ્રમ, છાત્રાલય, મહાશાળામાં અને ખગોળપ્રેમીઓની મદદથી ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી નકારાત્મક આગાહીઓની હોળી કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા.