રાણપુર તાલુકાના ધારપીપળા ગામે યુવતીના અડપલા કરવા બાબતે બે પીતરાઈ ભાઈઓ વચ્ચે મોતનો જંગ ખેલાતા એકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે આરોપીની રાણપુર પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે તા.૧૪-ર-ર૦૧૮ના રોજ બપોરના ૧-૩૦ વાગ્યાના અરસામાં સહદેવભાઈ ઉર્ફે લાલો સોંડાભાઈ પોપલા ઉ.વ.૧પ રહે.ધારપીપળાને મોટરસાયકલ શીખવવાના બહાને પીતરાઈ ભાઈ સુરેશ ભવાનભાઈ પોપલા રહે.ધારપીપળા, તા.રાણપુર ધારપીપળાથી ચાર કિ.મી. દુર નાગડકાના રોડે આવેલી સીમમાં લઈ જઈ સહદેવભાઈ ઉર્ફે લાલો સોંડાભાઈ પોપલાને ગળુ દબાવી, માથાના ભાગે તીક્ષ્ણ હથિયારો મારી, લાશને સળગાવી કરૂણ મોત નિપજાવી આરોપી સુરેશ ભવાનભાઈ પોપલા ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો. મૃતક યુવાનની પરિવારજનો દ્વારા શોધખોળ આદરતા સાંજના ૬-૦૦ વાગ્યાના સુમારે મૃતક યુવાનની સળગાયેલી હાલતમાં લાશ મળી આવતા ચક્ચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ રાણપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનનું પી.એમ. રાણપુર હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે વાસુદેવભાઈ સોંડાભાઈ પોપલા દ્વારા રાણપુર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી ૩૦ર, ર૦૧, જીપી એક્ટ ૧૩પ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એમ.એલ. ઝાલા પી.આઈ. રાણપુર પો.સ્ટે. ચલાવી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનિય વિગત અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલ સહદેવભાઈ પોપલાના બહેન સાથે આરોપી સુરેશ પોપલાને અડપલા કર્યા હતા. જે કૃત્ય મૃતક કોઈને કહી દેશે એવા ડરથી આરોપી દ્વારા ગળુ દબાવી, તિક્ષ્ણ હથિયારો મારી લાશને સળગાવી દઈ યુવાનની હત્યા કર્યા હોવાનું આરોપીએ કબુલ્યું હતું.