ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમત્રી અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આજે ઇન્કમટેક્સ વિભાગે માયાવતીના ભાઈ અને ભાભી સામે જોરદાર કાર્યવાહી હાથ ધરી હતી. માયાવતીના ભાઈ અને તેમના પત્નિની સામે કાર્યવાહી હાથ ધરીને બેનામી પ્લોટ કબજે કરી લીધો છે. આ પ્લોટની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આનો મતલબ એ થયો કે, ઇન્કમટેક્સ વિભાગે આનંદકુમાર પર કાર્યવાહી કરીને આર્થિકરીતે તેમની કમર તોડી નાંખી છે. સાત એકર વિસ્તારમાં ફેલાયેલા આ પ્લોટને જપ્ત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઇન્કમટેક્સ વિભાગે આ કાર્યવાહી નોઇડામાં હાથ ધરી છે. એમ માનવામાં આવે છે કે, માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેમના ભાભી વિચિત્રલત્તાના બેનામી પ્લોટને જપ્ત કરી લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી માયાવતી માટે વધારે પરેશાની ઉભી કરી શકે છે.
માયાવતીએ હાલમાં જ પોતાના ભાઈ આનંદકુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. માયાવતીના ભાઈ આનંદકુમાર પણ નોઇડા ઓથોરિટીના કોઇ સમયે નાનકડા કર્મચારી તરીકે હતા. માયાવતી સત્તામાં આવ્યા બાદ આનંદકુમારની સંપત્તિ રેકોર્ડગતિએ વધી હતી. તેમના ઉપર બનાવટી કંપની ઉભી કરીને કરોડો રૂપિયાના લોન લેવાના આરોપો મુકવામાં આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, તેઓએ એક બનાવટી કંપની ઉભી કરી હતી. ૨૦૦૭માં માયાવતીની સરકાર આવ્યા બાદ આનંદકુમારે એક પછી એક ૪૯ કંપનીઓ ખોલી હતી. ૨૦૧૪માં તેઓ ૧૩૧૬ કરોડજ રૂપિયાના માલિક બની ગયા હતા. આનંદ ઉપર રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને કરોડો રૂપિયા ઉભા કરવાનો પણ આક્ષેપ થઇ ચુક્યો છે. આ મામલામાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આનંદકુમાર નવેમ્બર ૨૦૧૬માં એ વખતે વધુ ચર્ચામાં આવ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. તે વખતે તેમના ખાતામાં એકાએક ૧.૪૩ કરોડ રૂપિયા જમા થયા હતા. આટલી જંગી રકમ તેમના ખાતામાં આવ્યા બાદથી તેઓ તપાસ સંસ્થાઓની નજર હેઠળ આવી ગયા હતા. તપાસ સંસ્થાઓએ પહેલા પણ આનંદકુમારના આવાસ અને ઓફિસ ઉપર અગાઉ દરોડા પાડ્યા હતા. નોટબંધી દરમિાયન આનંદકુમાર સામે સકંજો મજબૂત કરાયો હતો.