સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરને યુવાને આપી ધમકીઃ મને પ્રેમ કર,નહીંતર મારી નાખીશ

450

વડોદરાની એક ટ્રાન્સજેન્ડર યુવતીએ સુરતના એક યુવક સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ પ્રમાણે સુરતની જેલમાં બંધ એક વ્યક્તિ ફોન પર સતત તેને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરે છે. અને તે જો વ્યક્તિની વાત નહીં માને તો હત્યાની પણ ધમકી આપી છે.

ટ્રાન્સજેન્ડર શહેરના નવાપુર વિસ્તારમાં રહે છે. મળતી માહિતી પ્રમાણે એક સામયિકમાં સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરની તસવીર જોયા બાદ સુરતનો વ્યક્તિ તેના પ્રેમમાં પડી ગયો હતો.

વડોદરાની ટ્રાન્સઝેન્ડર ઝોયાખાન મોડલિંગ કરે છે. ઝોયાખાને સુરતના સાકીર નામના વ્યક્તિ સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં તેની એક તસવીર એક સામયિકમાં છપાઈ હતી. આ તસવીર જોયા બાદ સુરતનો સાકીર તેના પ્રેમમાં પડી ગયો હતો.

બાદમાં બંને સંપર્કમાં આવ્યા હતા અને સારા મિત્રો બની ગયા હતા. જોકે, સમય જતાં સાકીરે ઝોયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઝોયા પોતે ટ્રાન્સઝેન્ડર હોવાથી તેણે સાકીરનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.

પ્રેમ સંબંધના ઇન્કાર બાદ સાકીર સતત ઝોયાને ફોન કરીને પ્રેમ માટે દબાણ કરતો હતો. ૧૬મી જુલાઈના રોજ સાકીરે ફરી ઝોયાને ફોન કરીને જોઈ લેવાની ધમકી આપી હતી. આ મામલે નવાપુર પોલીસે ઝોયાની અરજી બાદ તપાસ શરૂ કરી છે.

સાકીર જેલમાં હોવા છતાં છેલ્લા દોઢ મહિનાથી ઝોયાને સતત ફોન કરીને પરેશાન કરી રહ્યો હતો. સમાયિકમાં છપાયેલી તસવીર જોઈને ગાંડો થયેલો સાકીર ઇચ્છતો હતો કે ઝોયા તેના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી લે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.

Previous articleઅમેરિકાની પાસે દુનિયામાં સૌથી વધારે સોનુ છે : રિપોર્ટ
Next articleઅમદાવાદ શહેરમાં પણ નકલી ડોક્ટરોઃ બે વર્ષમાં ૧૯ નકલી ડોક્ટરો ઝડપાયા