અમદાવાદ કોર્પોરેશન દ્વારા માર્ગો ઉપર ઇલેકટ્રીક બસ દોડવા લાગીઃ આગામી દિવસોમાં ૩૦૦ ઇલેકટ્રીક BRTS બસ દોડાવવાનું આયોજન

528

આખરે અમદાવાદના માર્ગ પર ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ કરેલી જાહેરાત અંતર્ગત હાલમાં શહેરના માર્ગ પર ૮ ઇલેક્ટ્રીક બીઆટીએસ બસ દોડતી કરી દેવામાં આવી છે. અને આ ઇલેક્ટ્રીક બસ દોડવવા માટે એએમસીએ સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભી કર્યુ છે. ત્યારે પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે આગામી દિવસોમાં શહેરમાં માર્ગો પર વધુ ૩૦૦ ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડાવવાનું આયોજન કરાયુ છે.

સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત એએમસી દ્વારા શહેરમાં ઇલેક્ટ્રીક બસ દોડાવવાની જે વાત કરાઇ હતી, તેનો અમલ શરૂ કરી દેવાયો છે. પ્રથમ તબક્કામાં ૧૮ બસ બેટરી સ્વેપિંગ અને ૩૨ બસ ફાસ્ટ ર્ચાજિંગ ટેકનોલોજી વાળી એમ કુલ ૫૦ બસ દોડતી કરવાનું આયોજન કરાયુ છે. જૈ પેકી હાલમાં શહેરના માર્ગ પર ૮ ઇલેક્ટ્રીક બસ બીઆરટીએસ કોરીડોરમાં દોડી રહી છે.

નોંધનીય છે કે, હાલમાં શહેરમા જે ૮ ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડી રહી છે. તેને બેટરી સ્વેપીંગ ટેકનોલોજી ધરાવતી બસ છે. એટલે કે બસની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય તો બસને રાણીપ ખાતેના આ ડેપોમાં લાવવામાં આવે છે. જ્યાં સંપૂર્ણ ઓટોમેટીક એટલે કે સ્માર્ટ મશિનની મદદથી બસમાં રહેલી ૪ કેવીની બેટરી કાઢીને તેના સ્થાન ચાર્જ બેટરી ફીટ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રીયા ૩ થી ૪ મિનીટમાં પૂર્ણ થઇ જાય છે. બેટરી ફીટ થતાની સાથે જ બસ પુનઃ પોતાના રૂટ પર રવાના થઇ જાય છે.

હાલમાં આ ઇલેક્ટ્રીક બસ ૨૭ કીમીના આરટીઓ સરક્યુલર રૂટ ઉપર જ દોડી રહી છે. જેથી ૨૭ કીલોમીટરનો એક આખો રૂટ પૂર્ણ કરીને આ બસ રાણીપ ખાતેના ડેપો ઉપર બેટરી બદલવા માટે આવે છે. અને ગણતરીની મિનીટોમાં જ આ રોબોટિક ટેકનોલોજીની મદદથી બેટરી બદલીને રવાના થઇ જાય છે.

ઇલેક્ટ્રીક બસની અંદરની સામાન્ય ડિઝલ બસ કરતા અત્યંત આરામદાયક અને પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન કરતી આ બસની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં એન્જીન નથી. જેથી વાયુ કે ધ્વની પ્રદૂષણ નથી થતુ. આ ઉપરાંત આ બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે ગીયર બોક્ષ નથી. આ ઉપરાંત પણ અનેક સુવિધાઓ અને ટેકનોલોજી છે.

મહત્વનુ છેકે બેટરી સ્વેપિંગ ટેકનોલોજીની સાથે જ ફાસ્ટ ર્ચાજિંગ ટેકનોલોજી વાળી ઇલેક્ટ્રીક બસ પણ આગામી સમયમાં દોડતી થશે. તે માટે નારણપુરાના આ એએમટીએસ ડેપોમાં જ ઇલેકટ્રીક બસને ચાર્જ કરવા માટેની ખાસ મશિનરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જ્યાં આ ૧૫ પોઇન્ટ પર બન્ને તરફ એક સાથે ૩૦ બસ ચાર્જ થઇ શકશે. અને તેનો સમય ૩ થી ૪ કલાકનો રહેશે.

Previous articleઇન્દ્રોડામાં એક મહિનાથી ઉભરાતી ગટરો ગ્રામજનો માટે આફત બની
Next articleઅમેરિકાએ ઇરાનનું ડ્રોન તોડી પાડતાં બંન્ને દેશ વચ્ચે તંગદિલી