ભ્રષ્ટ્રાચારથી ખદબદતી અમદાવાદની વસ્ત્રાલ આરટી ઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે અમદાવાદ, રાજકોટ, જામનગરના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ પોલેન્ડથી મંગાવેલી પેન ડ્રાઇવથી આરટીઓના ડેટાની ચોરી કરી હતી અને રૃા. ૨૦માં ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલરના લાઇસન્સ આપવામાં આવ્યા હતા તેમજ ધોરણ ૮ પાસ ના હોય તેવા લોકોને પણ હેવી વ્હીકલના લાઇસન્સ ઇસ્યું કરી દેવાય છે.
વસ્ત્રાલ આરટીઓ સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે નોકરી કરતા પ્રિતેશકુમાર સોલંકીએ બે મહિના અગાઉ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર રજાના દિવસે ૧૨૦ ગેર કાયદે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે આઇપી લોગનુ એનાલીસીસ કરીને તપાસ હાથ ધરી હતી. જમાં લાઇસન્સ ધારક પાસેથી એજન્ટોની વિગતો મેળવી હતી.
પોલીસે અમદાવાદમાં ઇસનપુર વટવા રોડ પર સરીતા પાર્ક સોસાયટીમાં રહેતા અને ન્યુ હાઇવે ડ્રાઇવિંગ સ્કૂલ ધરાવતા જીગ્નેેેશ હરેશભાઇ મોદી અને જામનગરમાં રજવાડી ગોલા પાસે શિવમ રેસિડેન્સીમાં રહેતા ગૌરવ પ્રભુલાલ સાપોવાડીયા તથા રાજકોટ કાલાવાડ રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા સંદીપ દામજી મારકણા તેમજ ઠક્કરબાપાનગર ચમક ચુનાની ફેકટરી સામે અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને નિકોલ- નરોડા રોડ પર ઓમ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા સંકેત મનસુખભાઇ રફાલીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જામનગરના ગૌરવ સપોવાડીયાએ પોલેન્ડથી ઓન લાઇન પેઇન ડ્રાઇવ મંગાવી હતી અને પેઇન ડ્રાઇવની મદદથી જીગ્નેશ મોદીએ વસ્ત્રાલ આરટી ઓના કર્મચારી, અધિકારીઓની સંઠગાંઠથી કમ્પ્યુટરમાં લગાડીને પાસવર્ડ સહીતના ડેટાની ચોરી કરી હતી અને તેના માધ્યમથી બેકલોગની એન્ટ્રી કરી હતી અને ટુ વ્હીલર અને થ્રી વ્હીલર લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલ સહિતના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યા છે. એટલું જ નહી ધોરણ-૮ પાસ લાયકાત ધરાવતી વ્યકિતઓને હેવી વ્હીકલનું લાઇસન્સ આપવામાં આવતુ હોય છે. તેમ છતાં કેટલાક ધોરણ ૮ નાપાસ લોકોને આવા લાઇસન્સ ઇસ્યું કરી દેવામાં આવ્યા હતા કૌભાડીઓએ અરજદાર પાસેથી આ બોગસ લાઇસન્સના રૃા.૨૦ હજાર સુધી પડાવ્યા હતા.