જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરીયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઇ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડી બાગાયતી પાકો તરફ વળી નવીનતા લાવવાનો વિચાર કર્યો.
ભાવેશભાઇએ બાગાયત વિભાગ-ગુજરાત રાજય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત રૂ.૩૧ હજારની સહાય મેળવી હતી. તેમણે બાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું બાગાયતી ખેતી માટે તેમને ઉત્સાહ-જુસ્સો તો હતા જ, તેથી તેના ઉત્સાહ-જુસ્સામાં સોનાની સુગંધ ભળી.
મુલાકાત વેળાએ ભાવેશભાઇએ કહ્યું કે, બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે ૭ વીઘામાં ટપક સિંચાઇ છે અને પપૈયાના ૩,૮૦૦ છોડ છે, દરરોજના ૨૦ મણ એટલે કે ૪૦૦ કિલોગ્રામ પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે.
બાગાયતી પાકોમાં ઓછા પાણીએ ઓછા ખર્ચ-મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવ્યું છે, ધીમે-ધીમે બાગાયતી ખેતી માટેના મારા જુસ્સામાં વધારો થતો ગયો, બાગાયતી ખેતી અમારા આ વિસ્તારમાં થોડી નવી હોવાથી અન્ય ખેડૂતોને પણ બાગાયતી પાકો લેવાની પ્રેરણા મળી છે.
પપૈયાનો ઉપયોગ ટુટી-ફ્રુટી અને બીજી પ્રોડક્ટસ બનાવવામાં થાય છે. તાવ જેવી બિમારી અને પેટના રોગોમાં પણ પપૈયાનો ઉપયોગ ખાસ પ્રમાણમાં થાય છે. વળી ઔષધિ-દવા બનાવવામાં પણ પપૈયાના પાન-છાલ-ક્ષીર-બી-પપૈયાનો ઉપયોગ થાય છે.
અત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત્તિ આવી છે ત્યારે ડાયેટ કરતા અને જીમ જતાં યુવા-પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ઉમદા એવું આ ફળ અમૃતસમાન સાબિત થયું છે.
મારા ખેતરના પપૈયા અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે. ખેડૂતોને આ સમયે આ બાગાયતી પાક લઇને વધુ બરકત રળવાની તક મળી રહે છે.