ખેરાલુ રોડ પર આવેલી વૃંદાવન ચોકડી પાસે કેજીએન હોટલના માલિકે શુક્રવારે રાત્રે જમવાનું નહીં આપતાં પોલીસવાનમાં આવેલા પોલીસકર્મીઓએ અસહ્ય માર માર્યાના આક્ષેપ સાથે તેઓ મહેસાણા સિવિલમાં દાખલ થયા હતા. સિવિલ પોલીસે તેનો રિપોર્ટ લઇ ખેરાલુ પોલીસને મોકલી આપ્યો હતો.
ખેરાલુના લાલાવાડા ગામના ફારૂક શેખુભાઇ કાજી ખેરાલુની વૃંદાવન ચોકડીએ ગાયત્રી પેટ્રોલપંપની સામે કેજીએન નામે હોટલ ધરાવે છે. વેપારીના આક્ષેપ મુજબ, શુક્રવારે રાત્રે તેઓ હોટલ બંધ કરવાની તૈયારીમાં હતા, તે સમયે પોલીસ વાનમાં આવેલા અધિકારી સહિત ૭ જેટલા પોલીસકર્મીઓએ જમવાનું કહ્યું હતું. પરંતુ જમવાનુ થઇ રહ્યું છે તેમ કહેતાં તેઓ રોષે ભરાયા હતા અને અપશબ્દો બોલી માર માર્યો હતો.
ચહેરા અને છાતી, ખભામાં થયેલી ઇજાને પગલે તે ખેરાલુ સિવિલમાં સારવાર લઇ રહ્યા હતા, તે સમયે ત્યાં આવેલા આ પોલીસ કર્મીઓએ તેમને ફરી તબીબની હાજરીમાં માર મારી પોલીસ સ્ટેશન લઇ જઇ તેના પિતાને બોલાવ્યા હતા. જોકે, સારવાર જરૂરી હોઇ ફારુક શેખુભાઇ મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. સિવિલ પોલીસે તેનું નિવેદન સાથેનો રિપોર્ટ ખેરાલુ પોલીસને મોકલી આપ્યો હતો.
પોલીસે હુમલો કર્યાની વાત જાણવા મળી છે.યુવકના પિતા સાથે વાત થઇ છે તેમને કાંઇ કરવું નથી તેમ કહ્યું છે. નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે દુકાન બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ તેને ખુલ્લી રાખવી હતી. પોલીસે કોઇ મારઝુડ કરી નથી. છતાં તેને ફરિયાદ દાખલ કરવી હશે તો કાલે તેને બોલાવ્યો જ છે. દુકાન બંધ કરવાનું કહ્યું એટલે વાત ઉપજાવી કાઢી છે.