ગુજરાતમાં આવેલી ૧૮ જેટલી મેડિકલ કોલેજના ૧,૩૦૦ થી વધુ શિક્ષકોએ તેમની વર્ષો જુની પડતર માંગણીઓના મુદ્દે આજે શનિવારે અમદાવાદમાં વિશાળ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સત્વરે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓએ આગામી તા.૧ ઓગષ્ટથી હડતાળ પર ઉતરી જવાની પણ ચિમકી આપી હતી. કુલ ૧૧ માંગણીઓને લઇને આજે બપોરે ૨ વાગ્યે આશ્રમરોડ પર આવેલા ગાંધી બાપુના બાવલાથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી કાઢી હતી. જેમાં વિવિધ બેનરો, સૂત્રોચ્ચારો સાથે મેડિકલ કોલેજોના શિક્ષકોએ તેમની માંગણીઓને લઇને આક્રમક સુર વ્યક્ત કર્યો હતો.
વર્ષ ૨૦૧૪ પહેલાના જીએમઇઆરએસના બાકી રહેલા તમામ તબીબી શિક્ષકોની લાંબાગાળાની સેવાઓ નિયમિત કરો, સી.પી.એફ.નો લાભ આપો, તબીબી શિક્ષકોના પગારની વિસંગતતા દુર કરો, સરકારે આપેલા વચનો પુરા કરો, મેડિકલ ટીચર્સની મહેનત જાય એળે ઓછો પગાર અમારા ખોળે, વી વોન્ટ જસ્ટીશ, કેરીયર એડવાન્સમેન્ટ અને ડિપાર્ટમેન્ટલ પ્રમોશન આપો સહિતના વિવિધ બેનરો સાથે મેડિકલ શિક્ષકોએ રેલી કાઢી હતી. જેને લઇને ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઇ હતી.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશનના જણાવ્યા મુજબ અગાઉ વર્ષ ૨૦૧૨માં તબિબિ શિક્ષકોએ સળંગ ૧૩ દિવસની હડતાળ પાળી હતી. તે સમયે સરકારે ૬ માસના ગાળામાં તમામ પ્રશ્નોના નિકાલનું આશ્વાસન આપ્યું હતું જે હજુ સુધી પુર- થયું નથી.જેને લઇને તબીબી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નિમણૂંક નિયમોના અભાવે પ્રમોશન થતું નથી. છેલ્લા ૧૦ વર્ષથી પ્રમોશન અટકી પડયા છે તેમજ જીપીએસસીના ઇન્ટરવ્યું પણ થયા નથી. હંગામી ધોરણે નિમણૂંકો આપીને આર્થિક શોષણ કરાઇ રહ્યું છે.
કુલ ૧૧ જેટલી માંગણીઓને લઇને શનિવારે રાજ્યભરમાંથી આવેલા મેડિકલ શિક્ષકોએ અમદાવાદમાં રેલી કાઢીને સરકારને તેમના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી હતી. નહીં તો ન્યાય માટેની આ લડતને વધુ ઉગ્ર બનાવીને પહેલી ઓગષ્ટથી રાજ્યવ્યાપી હડતાળ કરવાના તેમના નિર્ણય અંગેની પણ જાણકારી આપી દીધી હતી.