ફેમસ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર અને તેની આર્મી ટ્રેનિંગને લઇને નિવેદન આપ્યું છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટી-૨૦, વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ગઈ છે અને ધોનીએ પોતાને પહેલાથી જ આ પ્રવાસ માટે ઉપલબ્ધ ગણાવ્યો નહોતો. આવામાં ઋષભ પંતને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી. અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આર્મી ટ્રેનિંગ માટે રજા માગી હતી. હર્ષા ભોગલેએ કહ્યું કે કદાચ તેની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે.
હર્ષા ભોગલેએ એમએસ ધોનીને લઇને ટિ્વટ કર્યું છે, જેમાં પહેલી ટિ્વટમાં લખ્યું છે, ‘જીવનનાં આ પડાવ પર ધોનીએ અચાનક ટેરિટોરિયલ આર્મીમાં ટ્રેનિંગ લેવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે, પરંતુ ઉંમરની સાથે સાથે માણસની પ્રાથમિકતા બદલાય જાય છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પછી સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા ભારત પ્રવાસે આવશે. આશા છે કે પસંદગીકારો ધોની સાથે સતત વાતો કરી રહ્યા હશે. આ કારણે આપણે વધારે ધારણાઓ કરવાની જરૂર નહીં રહે.’ હર્ષા ભોગલેએ બીજા ટિ્વટમાં લખ્યું છે કે, ‘દરેક મહાન ખેલાડી પાસે એ તક હોય છે કે તેઓ જ્યારે ઇચ્છે રમે અને ખુદનાં ભવિષ્યનો નિર્ણય કરે, પરંતુ ખુદને વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી તેમ કહીને ધોનીએ સંપૂર્ણ ચર્ચામાંથી પોતાને બહાર કરી દીધો છે. તેના આ નિર્ણયનું સ્વાગત થવું જોઇએ.’