અમદાવાદમાં રિક્ષાવાળાને ૧૧૫ ઇ-મેમો ફટકાર્યાઃ ૩૦ હજારનો દંડ ચૂકવવાનો બાકી

579

શહેરીજનોને ટ્રાફિકના નિયમોની જાગૃતિ લાવવા પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહનચાલકોને ઇ-મેમો મોકલી કરોડ રૂપિયાનો દંડ ફટકારી રહી છે, પરંતુ અમદાવાદીઓ સુધરવાનું નામ નથી લેતા. અમદાવાદ પોલીસને આવા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે, ત્યારે આવા જ એક અમદાવાદના રિક્ષાવાળાએ બે-પાંચ હજાર નહીં પરંતુ ૩૦ હજારથી વધુનો દંડ ચૂકવ્યો નથી. ૧૧૫ જેટલા ઇ-મેમો ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યા છે. જેમાથી તેણે માત્ર ૧૬ જ ઇ-મેમોનો દંડ ભર્યો છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા પ્રદિપ શ્રીમાળીને ૨૦૧૬થી ૨૦૧૯ સુધીમાં ૧૧૫ જેટલા ઇ-મેમો મળ્યા છે, જેમા ૨૦૧૬માં ત્રણ, ૨૦૧૭માં છ, ૨૦૧૮માં ૨૫, જ્યારે ૨૦૧૯માં ૮૧ ઇ-મેમો મળ્યા છે. સૌથી વધુ ૧૦૨ ઇ-મેમો તેને ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા બદલ ફટકારાયા છે. ૪ મેમો સ્ટોપલાઇન ભંગ, ૫ મેમો ગેરકાયદેસર પાર્કિંગ, જ્યારે ૪ જેટલા મેમો ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેસાડવા બદલ ફટકારાયા છે. અત્યાર સુધીમાં તેણે ૧૬ જેટલા ઇ-મેમોની ૫૮૦૦ જેટલી રકમના દંડની ચૂકવણી કરી છે, જ્યારે ૯૯ ઇ-મેમોની ૩૨,૫૦૦ જેટલી રકમ ચૂકવવાની બાકી છે.

Previous articleવેચવાલીની વચ્ચે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો
Next articleકરમસદ શહેરમાં તસ્કરોનો આતંકઃ બંધ મકાનમાં ૫૦ હજારની ચોરી કરી ફરાર