કરમસદ શહેરમાં ગઈકાલે રાત્રે લલિતાનગર, સાશ્વત સોસાયટી અને ભાઈલાલ રેસીડેન્સી વિસ્તારમાં એક તસ્કર ટોળકી ત્રાટકી હતી. રાત્રે ૨.૫૪ વાગે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તે પહેલા જ આ ટોળકીએ લલિતાનગરમાં ઉધનાબેન થોમસભાઈના મકાન નં. ૨૦નો દરવાજા તોડી ઘરમાં પ્રવેશી માલ સામાન વેરણ છેરણ કરીને સોનાની સવા તોલાની ચેઈન તથા ૧૭ હજાર રોકડા અને અન્ય ચીજવસ્તુઓ મળીને ૫૦ હજાર ઉપરાંતની મત્તા ચોરી કરીને લઈ ગયા હતા.
યશવંતભાઈ દવેના મકાન નં. ૨૪ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમના બંધ મકાનનું તાળુ તોડી મકાનનો માલ સામાન વેરવિખેર કરીને મોટી રકમ ચોરી ગયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમનો પરિવાર હાલ સુરત કોઈ કામ અર્થે ગયા છે. તે આવે પછી જ કેટલાની મત્તા ચોરાઈ તે જાણી શકાશે. ત્યારબાદ આ તસ્કર ટોળકી બાજુમાં આવેલ સાશ્વત સોસાયટીમાં મકાન નં. ૯૯માં પ્રવિણચંદ્ર પી. રાણાના તેઓ પોતાના પરિવાર સાથે કોઈ કામ અર્થે મકાન બંધ કરીને ગાંધીનગર ગયા છે. તકનો લાભ લઈ તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળુ તોડીને ઘરમાં ઘુસીને માલ સામાન વેરવિખેર કરી દીધો હતો. જ્યારે મકાન નં. ૬૯માં તસ્કરોએ પાછળના ભાગે આવેલ દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે અવાજ આવતાં મકાનમાં એકલી સુઈ રહેલ યુવતીએ બુમાબુમ કરતાં તસ્કરો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.