નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ શંકાસ્પદ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આ મામલે સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને કોન્સ્ટેબલ સામે બે લાખ રૂપિયાનો તોડ કર્યો અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. જે અંગેનો ખુલાસો માંગવા નવરંગપુરા પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ બોલાવતા તેઓએ તેઓની સામે જ રૂપિયાનો તોડ કરતો હોવાનું અને વહીવટો ચાલતા હોવાનો આક્ષેપ કરતી સ્યુસાઈડ લખી ગુમ થઈ ગયા છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જિગર સોલંકી અને કૌશલ ભટ્ટ નામના બે કોન્સ્ટેબલ ગુમ થયા અંગે સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. બંને કોન્સ્ટેબલ બે દિવસથી ગુમ થયા છે.
જિગરે પોતાની કથિત સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડકતરી રીતે રૂપિયા અને દારૂના સ્ટેન્ડ ચાલે છે તેવું નવરંગપુરા પીઆઈ પીબી દેસાઈને જાણ કરતા તેઓએ શાંતિથી નોકરી કરો બાકી બદલી થઈ જશે તેવી ધમકી આપી હતી. તેમજ ખોટા કેસમાં ભરાવી દેવાની પણ ધમકી આપી હતી. જેના કારણે હું શારીરિક અને માનસિક હૈરાન થયો છું. હું જીવવા નથી માંગતો, જેની સંમગ્ર જવાબદારી પીબી દેસાઈ, બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ અને પીઆઈ પર્સનલ બહાદુરસિંહની રહેશે’.
જ્યારે કૌશલ ભટ્ટે પોતાની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, ‘પીઆઈ પીબી દેસાઈને તેમના બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ વિશે જણાવતા તેઓએ ચુપ રહેવા કહ્યું હતું. તેમની સામે કરેલી અરજી પાછી ખેંચવા શારીરિક અને માનસિક દબાણ કરતા હતા. ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી હતી. ૨૦ જુલાઈના રોજ બી ડિવિઝન એસીપી એલબી ઝાલાએ રૂબરૂ બોલાવતા અમે રજૂઆત કરતા અમે જણાવ્યું હતું કે, પીઆઈ પીબી દેસાઈ અને તેમના બે વહીવટદારના ૬ મહિનાના લોકેશન અને કોલ ડિટેલઈની વાત કરી હતી જેથી એસીપી ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને ‘કઈ નહીં થાય. મરવુ હોય તો મરી જા’ તેવું કહ્યું હતું. જેથી હું જીવવા નથી માગ્તો અને તેની સમગ્ર જવાબદારી એસીપી ઝાલા, પીઆઈ પીબી દેસાઈ અને બે વહીવટદારની રહેશે’.