રાજ્યના ખેડૂતોને બારેમાસ સિંચાઇનું પાણી મળતું રહે અને કૃષિ ઉત્પાદનમાં અવ્વલ રહેવાય તે માટે અમલમાં મુકાયેલી નર્મદા યોજનાના જ નીર ખેડૂતોને ૧૫મી માર્ચ પછી નહીં આપવાની જાહેરાત બાદ હવે આ મુદત પહેલા જ એટલે કે અત્યારથી મોટાભાગના વિસ્તારોમાં નર્મદાનું સિંચાઇનું પાણી બંધ કરી દેવામાં આવતા ઘઉં, જીરૂ, ઇસબગૂલ, લસણ, ડુંગળી, અજમો સહિતના મોંઘા રવી પાકનું વાવેતર કરનારા ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઉનાળુ પાકને બદલે રવી પાકને જ પૂરતું પાણી આપવામાં નિષ્ફળતા છતી થતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ કૃષિ પાકમાં અચાનક પાણી બંધ કરી દેવાથી ૧.૭૦ લાખ હેક્ટરમાં કૃષિ પાક પર આફત તૂટી પડી છે. તેમાં નર્મદા નહેરની પેટાશાખામાં અનેક સ્થળે રાતોરાત પાણી બંધ કરી દેવાયા છે.
જ્યારથી ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત આપવાનું બંધ કરી દીધું છે ત્યારથી સરકારે પક્ષપાત રાખીને ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દીધું હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. જ્યાં ભાજપના ઉમેદવાર હાર્યા છે ત્યાં આ સ્થિતિ જોવા મળે છે એમ ખેડૂત મંડળ કહી રહ્યાં છે. તેઓ એવું માની રહ્યા છે કે ૧૫ તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યાં હજુ વેરની વસૂલાત થતી નથી તે સિવાય બીજે પાણી બંધ કરી દેવાયું છે. આમ ચૂંટણીના સમયમાં પાણીનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે. નર્મદા કાંઠે જ્યાં ખેડૂતોને પાણી મળવું જોઈએ ત્યાં ભાજપ સરકારે પાણી ન આપતાં ખેડૂતો નહેર પર મશીન મૂકીને પાણી લેવાનું ખર્ચાળ કામ કરી રહ્યાં હતા. એવા ૧૨ હજારથી વધારે સ્થળોએ ભાજપ સરકારે જોડાણ કાપી કાઢ્યા છે. ખરેખર તો મશીનથી પાણી લેવું પડે તે સરકારની નિષ્ફળતા છે. નર્મદા નિગમની નિષ્ફળતા છે. ઉપરાંત ૨૪ જેટલી શાખા અને પ્રશાખાઓમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક સૂકાઈ રહ્યો છે.