મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જે રીતે આત્મવિલોપનનો પ્રયાસ કરાયો છે, તેમા મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે આ પ્રકારનો પ્રયાસ ન કરે. પ્રશ્નોનું નિરાકરણ આપણે બેસીને સોલ્વી કરી શકીશું. ગઈકાલે અમે સરકારી અધિકારીઓને હોસ્પિટલ મોકલ્યા હતા. તે વ્યક્તિની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તેમજ વ્યક્તિને સારામાં સારી સારવાર આપવાની હોસ્પિટલને સૂચના આપી દેવાઈ છે. આ ઘટનાની તપાસ માટે ચીફ સેક્રેટરીને જવાબદારી સોંપાઈ છે. મુખ્ય સચિવને ઘટનાનું તથ્ય મેળવવા જવાબદારી સોંપાઈ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ જે કંઈ કરવાનું હશે તે મામલે સરકાર સકારાત્મક રીતે ચોક્કસ પ્રયાસ કરશે. વ્યક્તિના કુટુંબીજનોએ પણ કહ્યું છે કે આ બાબતને રાજકીય રીતે ન ગણવામાં આવે, ત્યારે આ ઘટનાને દુખ અને સંવેદનાથી વિચારવામાં આવે.
પાટણ કલેક્ટર કચેરીમાં ગુરૃવારની બપોરે ૬૦ વર્ષના દલિત સમાજીક કાર્યકરે શરીરે કેસોસીન છાંટી અગ્નિસ્નાન કરતા અરેરાટી પ્રસરી હતી. પોલીસ, ફાયર બ્રિગ્રેડ અને એમ્બ્યુલન્સની હાજરીમાં રિટાર્યડ તલાટી અને ઊંઝાના ભાનુપ્રસાદ વણકર પોતાના શરીરે દિવાસળી ચાંપીને ભડકે બળ્યા હતા. જમીન રિ-ગ્રાન્ટ કરવાની પ્રક્રિયામાં થતા વિલંબથી કંટાળેલા ભાનુપ્રસાદને અમદવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. મોડી રાત્રે આ મામલે હત્યા અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે આજે પાટણ બંધની જાહેરાત કરાઈ છે. સ્થાનિક સંગઠનો દ્વારા બજારો બંધ કરવાયા છે.