વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ

363

શેરબજારમાં મંદીનો માહોલ અવિરતપણે જારી રહ્યો છે. આજે પણ મંદી અકબંધ રહી હતી. કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની સીધી અસર જોવા મળી રહી છે. સતત પાંચમાં સેશનમાં ઇન્ડેક્સ મંદીમાં રહ્યા હતા. મેટલ, બેંકિંગ અને ઓટો મોબાઇલના શેરમાં વેચવાલી જામી હતી. બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૧૩૫ પોઇન્ટ ઘટીને ૩૭૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડસબેંક, તાતા મોટર્સ, બજાજ ફાઈનાન્સ અને તાતા સ્ટીલના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. એશિયન પેઇન્ટ્‌સ, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેંકના શેરમાં ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૬૦ પોઇન્ટ ઘટીને ૧૧૨૭૧ની સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઇન્ડેક્સ નીચી સપાટીએ રહ્યા હતા. આજે બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૦૬ પોઇન્ટનો કડાકો રહેતા તેની સપાટી ૧૩૭૧૦ રહી હતી. બીએસઈ સ્મોલકેપમાં ૧૬૩ પોઇન્ટનો કડાકો રહેતા તેની સપાટી ૧૩૦૪૩ રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટોમાં ૧.૯૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે કારોબાર વેળા એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતિ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ મંત્રણાને લઇને નવી આશા જાગી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી બેઠક પહેલા યુરોમાં ચર્ચામાં રહી છે. જાપાનના નિક્કીમાં ૦.૪૧ ટકાનો ઉછાળો અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૯૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. કારોબાર નકારાત્મક માહોલમાં રહેવા માટે એક કારણ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં પરત ખેંચવા સાથે સંબંધિત છે. બજેટમાં સુપરરિચ પર ટેક્સના લીધે પણ ચિંતા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વિટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જોવા મળી રહી છે. ગઇકાલે મંગળવારના દિવસે બેંચમાર્ક સેંસેક્સ ૪૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૮૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બ્રોડર નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૩૧ની સપાટીએ રહ્યો હતો.

Previous articleતમામ કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાભ મળશે
Next articleસરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થતા દુકાનદારનો પરવાનો રદ