ગાંધીનગર જિલ્લામાં એક બાજુ ચોમાસું ખેંચાયું છે અને વરસાદ પડવાની સંભાવના પણ ઉભી થતી નથી તેની સામે દિવસેને દિવસે ઉનાળા જેવી અસહ્ય ગરમીની સાથે ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં બપોરપાળીની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલત દયનીય થઇ ગઇ છે.
પરસેવે રેબઝેબ થતા આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરી શક્તા નથી ત્યારે સારો વરસાદ પડે નહીં ત્યાં સુધી ગાંધીનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળા સહિત બપોરની ખાનગી શાળાઓનો સમય પણ સવારનો કરી દેવો જોઇએ તેવી માંગણી શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે જેના કારણે જે તે વિસ્તારમાં ગરમી અને બફારાનો અંત આવ્યો છે અને ઠંડક પ્રસરી ગઇ છે જ્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં હજુ સુધી વરસાદ નહીં પડવાને કારણે ઉનાળા જેવી ગરમીનો ફરી અનુભવ થઇ રહ્યો છે તો બીજીબાજુ ઉકળાટ પણ અસહ્ય થઇ રહ્યો છે. આ બાબતે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી કરી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં જુન માસથી આજદિન સુધી વરસાદ નહીંવત થયો છે. જેના કારણે હાલ અસહ્ય ગરમી અને બાફનું પ્રમાણ વધ્યું છે. આવી સ્થિતિમાં વર્ગખંડોમાં બાળકો ગરમી અને ઉકળાટથી બફાય જાય છે અને અભ્યાસમાં રસ, રૂચી કે ધ્યાન કેન્દ્રીત કરી શકતાં નથી.
બાળકોને શિક્ષણ મેળવવું ખુબ જ કઢીન બની રહ્યું છે. જ્યાં સુધી સારો વરસાદ પડે નહીં ત્યાં સુધી ગાંધીનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓ ઉપરાંત ખાનગી શાળાઓ કે જે બપોર પાળીને છે તેને સવારની કરવા માંગણી કરવામાં આવી છે. શિક્ષકસંઘની સાથે સાથે વાલીઓ દ્વારા પણ અધિકારીઓને રજૂઆત કરાઇ છે.
અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે ત્યારે શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાલત આ ગરમી અને બફારા વચ્ચે કફોડી બની છે. ત્યારે થોડા દિવસો માટે પણ સવારની સ્કુલ કરવામાં આવે તો ઉકળાટમાં રાહતનો શ્વાસ લઈ શકાય.