દહિયા પ્રેમ પ્રકરણમાં તપાસ સમિતિની રચના કરાઈ

579

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદો કરતા સમગ્ર મામલે વિવાદ વધુ ઘેરો બનતાં અને રાજકારણ ગરમાતાં આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાના આ કથિત પ્રેમ અને લગ્ન  પ્રકરણમાં તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા આઇએએસ અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજયના અગ્રસચિવ સુનયના તોમરના અધ્યક્ષ સ્થાને રચાયેલી આ તપાસ સમિતિ પંદર દિવસમાં સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરશે. મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા-આઇએએસ, સોનલ મિશ્રા-આઇએએસ તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબહેન પંડ્‌યા અને સભ્ય સચિવ તરીકે નાયબ-સંયુક્ત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. ઉલ્લેખનીય છે કે, આઇએએસ ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા.

આ દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા.૨૨ જુલાઇએ તેમની બદલી કરીને સંયુક્ત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મુકી દીધા છે. આ મામલે સામાન્ય વહીવટી વિભાગના વડા તરીકે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હવે આ સમગ્ર મામલે તપાસ સોંપી દેવામાં આવી છે અને તપાસ રિપોર્ટ બાદ પગલા લેવામાં આવશે. ગૌરવ દહિયાની અરજીને લઈને મુખ્ય સચિવને માહિતગાર કરવામાં આવ્યા છે. દહિયાની પૂર્વ પત્નીને પણ અરજી અંગે માહિતી આપવામાં આવી છે. દહિયાના પ્રેમ સંબંધોથી પૂર્વ પત્ની શિવાની પણ અજાણ હતી.

આ અંગે શિવાનીએ જીએડી(જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)ને જાણ કરી છે. આ અરજીના આધારે જ દહિયાએ બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા હોવાની વાત પણ સૂત્રોમાંથી જાણવા મળી છે. જો કે, આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં નવા ખુલાસા થાય તેવી પૂરી શકયતા છે.

Previous articleરાજકોટ : પ્રાણી ઉદ્યાનમાં સફેદ વાઘનાં ચાર બચ્ચાથી ઉત્સુકતા
Next articleધો.-૫, ૮ના વિદ્યાર્થીને ફેલ કરવાનો નિયમ આ વર્ષે લાગૂ