ગત રવિવારે શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાં આવેલ ત્રણ મેડિકલ સ્ટોરના તાળા તોડી મસમોટી રકમની ચોરી થવા પામી હતી. જે અંગે ભાવનગર એલસીબી ટીમએ ચાર શખ્સોને ઝડપી લઈ સમગ્ર બનાવનો ભેદ ૭ દિવસમાં ઉકેલ્યો છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરમાં થયેલ ચોરી સહિતના વણઉકેલ ગુનાના બનાવોને ઉકેલવા પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બોરતળાવના વિક્ટોરીયા પાર્ક પાછળ આવેલ જ્ઞાનમંજરી તરફ જવાના રોડ પર એક કાર નં.જીજે ૧પ એડી શંકાસ્પદ હાલતમાં જણાતા જેને અટકાવી તલાશી સાથે ચાલકનું નામ-સરનામુ સહિતની તપાસ હાથ ધરેલ. જેમાં કારની ડીકીમાંથી કોસ્મેટીક, સામાન, મેડીકલને લગતી ચીજવસ્તુઓ તથા લોખંડની કોશ, ગણેશીયુ સહિતનો સામાન તથા રોકડ રકમ મળી આવતા પોલીસે કાર ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદ રે.હાલ સુરત મુળ યુ.પી.વાળો હોવાનું જણાવેલ તથા મળેલ સામાન સાત દિવસ પૂર્વે શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ પટેલ મેડીકલ, દેવુબાગ સ્થિત કમલ અને બ્રહ્માણી મેડીકલમાંથી ચોરી કર્યાની કેફીયાત સાથોસાથ પોતાના સાગરીતોના નામ જણાવેલ. જેમાં જયપાલ ઉર્ફે જયો કાના ઢીલા રે.કરદેજ, વિકાસ અમરનાથ મિશ્રા રે.સુરત, મુળ યુપી તથા સુરેશ ઉર્ફે સુર્યો અશોક નાવડીયા રહે.હાલ સુરત, મુળ જેતપુરવાળાનો ઉલ્લેખ કરતા પોલીસે આ ચારેય આરોપીની ધરપકડ કરી કાર, ચોરીનો મુદ્દામાલ, મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂા.૧,૬૩,૦૧૬નો મુદ્દામાલ કબ્જે કરી તમામને એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આમ માત્ર ૭ દિવસના ટુંકા સમયમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે.