વિધાનસભામાં ગુજરાત સલામત હોવાનો સરકાર દાવો કરે છે પરંતુ આ જ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત અન્ય મંત્રીઓ રહે છે તે મંત્રી નિવાસનો વિસ્તાર જ હવે સલામત રહ્યો નથી તે ગઇકાલે રાત્રે બનેલા ચંદનચોરની નિષ્ફળ ઘટના ઉપરથી સાબીત થાય છે. અહીં રાત-દિવસ સેંકડો કમાન્ડો હોવા છતા ચંદનચોર મંત્રી નિવાસમાં પહોંચી ગયા હતા અને ત્યાં ઝાડ કાપી નાંખ્યું હતું પરંતુ હલચલ થતા ચોરો ત્યાંથી નાસી છુટયા હતા. જો કે, ચંદનચોર આવ્યા હોવાની જાણ થતા સલામતી જવાનો અને વિવિધ એજન્સી સહિત વનવિભાગ પણ મંત્રી નિવાસમાં દોડી ગયું હતું.
સમગ્ર રાજ્યનું સંચાલન પાટનગર ગાંધીનગરમાંથી થાય છે ત્યારે આ સંચાલની સરળતા માટે ગાંધીનગરમાં જ રાજભવન પાસે મંત્રી નિવાસ બનાવવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી તથા અન્ય મંત્રીઓના બંગલા આવેલા છે.
મોટાભાગે મંત્રીઓ આ મંત્રી નિવાસમાં જ રહેતા હોય છે તેવી સ્થિતિમાં અહીંની સલામતી વ્યવસ્થા ખુબ જ મહત્વની ગણવામાં આવે છે તેથી જ તો આ વિસ્તારને દિવાલ અને તેની ઉપર તારથી રક્ષિત કરવા ઉપરાંત સેંકડો કમાન્ડો દ્વારા રાત-દિવસ પહેરો દેવામાં આવે છે. એટલુ જ નહીં, એક જ દરવાજો આવવા-જવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યાં પણ પુરતી તપાસ બાદ જ મુલાકાતીઓને એંદર જવા દેવામાં આવે છે આવી કિલ્લેબંધી હોવા છતા ગઇકાલે આ મંત્રીનિવાસમાં ચંદનચોરીનો પ્રયત્ન થયો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સરકીટ હાઉસ અને રાજભવન વચ્ચેના રસ્તા ઉપરથી કેટલાક ચંદનચોર રાત્રીના સમયે ઝાડ ઉપર ચઢીને દિવાલ તથા તારની ફેન્સીંગ ઉપરથી મંત્રીનિવાસમાં ઘુસ્યા હતા. જ્યાં મંત્રીઓના આવાસ આવ્યા ત્યાં સુવિધા કચેરી પાસે ઉછરેલા ચંદનના ઝાડને આ ચોરો દ્વારા કાપવામાં આવ્યું હતું. ચંદનના ઝાડને કાપીને જ્યારે લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે અહીં કમાન્ડોની હલચલ થઇ હતી જેથી આ ચંદનચોર અહીંથી ભાગી છુટયા હતા.
સામાન્યરીતે જોવા જઇએ તો ચંદનચોરીનો આ એક નિષ્ફળ પ્રયાસ છે પરંતુ વીવીઆઇપી ગણાતા મંત્રી નિવાસમાં જે રીતે ચોર ઘુસ્યા અને ચોરીનો પ્રયત્ન કર્યો તે જોતો તેઓ અહીં કંઇ પણ કરી શકે તેમ હતા તેથી આ સંવેદનશીલ વિસ્તારની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે જેને લઇને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આજે મંત્રી નિવાસમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ હાથ ધર્યું હતું.એટલુ જ નહીં, સલામતી વ્યવસ્થામાં રહી ગયેલા છિંડા તપાસીને તેને દુર કરવાના હુકમો પણ સ્થળ ઉપર જ આપી દેવામાં આવ્યા હતા.આ ઉપરાંત વનવિભાગના અધિકારીઓ પણ મંત્રીનિવાસમાં ગયા હતા અને ત્યાં અન્ય વૃક્ષોની માહિતી લેવામાં આવી હતી.
ગાંધીનગરના અતિ સલામત ગણાતા મંત્રી નિવાસ વિસ્તારમાં ગઈરાત્રીએ ચંદનચોરો ઘુસ્યા હતા અને ચંદનનું ઝાડ કાપી લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ આ વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાના કારણે અહીં ચોરી કરવા ચોર કયાંથી ઘુસ્યા અને તેમની મોડેશ ઓપરેન્ડી શું હતી તેની તપાસ ગુપ્ત રાહે કરવામાં આવી રહી છે.