અમદાવાદના સેના કેમ્પમાં શહીદ સ્મારક ઉપર અંજલિ

590

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. મુખ્યમંત્રીએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધના ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિજય સહિત ભારતે દુશ્મન દેશ સાથેના તમામ યુદ્ધમાં શૌર્ય-વીરતા અને પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનાથી દેશ આખો ગૌરવાન્વિત છે. મુખ્યમંત્રીએ ભારતીય સેનાના વીર જવાનોની શહાદતને નમન કરતા રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને દેશહિત સર્વોપરીનો ભાવ જગાવી દેશ માટે જીવવું – દેશ માટે મરવુંનો શૌર્યસભર કોલ આપ્યો હતો. તેમણે આ સંદર્ભમાં હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે…ની પંક્તિઓ પણ દોહરાવી હતી. વિજય રૂપાણીએ ગુજરાતી યુવાઓ સેનામાં જોડાવા માટે વ્યાપકપણે પ્રેરિત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા વધુ પ્રમાણમાં આર્મી ભરતી મેળા યોજવાની તથા રાજ્યમાં વધુ સૈનિક સ્કૂલ્સ શરૂ કરવાની પણ નેમ વ્યક્ત કરી હતી. તેમણે આ સાથે જ ગોલ્ડન કટાર ડિવિઝન યોજિત શસ્ત્ર પ્રદર્શની ખુલ્લી મુકી સેનાના શસ્ત્રોનું રસપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ૪,૨૦૦ કિમીનો ૮ રાજ્યોનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવેલા આર્મી મોટરસાયકલ એક્સ્પિડિશનનું સમાપન કરાવતા વીર સેનાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. મુખ્યમંત્રીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્યની દુશ્મન દેશને અડીને આવેલી સરહદની નિગેહબાની કરતા અને સમાજજીવનને શાંતિ-સલામતીનો અહેસાસ કરાવતા સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનની સેવાઓ અને સેનાનીઓની ફરજપરસ્તી- દિલેરીને પણ બિરદાવી હતી. ધારાસભ્ય બલરામ થાવાણી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડીંગ – મેજર જનરલ સંજય શર્મા, બ્રિગેડિયર એ. કે. સિંગ તેમજ ૧૧મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના અફસરો, નિવૃત્ત અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

Previous articleરાજયમાં પાણીચોરોની ખૈર નથી : બે વર્ષની કેદની સજા
Next articleઅમદાવાદ : સિરિયલ બ્લાસ્ટને ૧૧ વર્ષ પૂર્ણ