અમદાવાદ શહેરમાં ૨૬મી જુલાઇ ૨૦૦૮ના દિવસે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને આજે ૧૧ વર્ષ પૂર્ણ થયા હતા. અમદાવાદ શહેર ૧૧ વર્ષ પહેલા સિરિયલ બોંબ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું હતું. બોંબ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૧ વર્ષ થઇ ગયા હોવા છતાં આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ખોફનાક ઘટનાને લોકો હજુ ભુલી શક્યા નથી. બોમ્બ બ્લાસ્ટમાં જે લોકોના મોત થયા હતા તે લોકોના સગાસંબંધીઓ માટે ૨૬મી જુલાઇની તારીખ હમેશા દુઃખ લઇને આવે છે. આ બ્લાસ્ટમાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૬મી જુલાઇ ૨૦૦૮ના દિવસે અમદાવાદ શહેરમાં માત્ર ૭૦ મિનિટના ગાળામાં જ ૨૧ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટથી સમગ્ર અમદાવાદ જ નહીં બલ્કે ભારત પણ હચમચી ઉઠ્યુ હતું. ગુજરાતના વાણીજ્ય અને સાંસ્કૃતિક હાર્ટ બની ગયેલા અમદાવાદમાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ બ્લાસ્ટ ઓછી તિવ્રતા વાળા હતા પરંતુ ભારે ખુવારી થઇ હતી. આ બ્લાસ્ટના એક દિવસ પહેલા જ કર્ણાટકના બેંગ્લોરમાં પણ બ્લાસ્ટ થયા હતા. કેટલાક ટીવી ચેનલોના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આંતકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહીદ્દીન તરફથી એક ઇ-મેલ બ્લાસ્ટ પહેલા મોકલવામાં આવ્યો હતો. જેમા જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડિયન મુજાહીદ્દીન દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.
જો કે અન્ય એક ઇસ્લામી સંગઠન હરકત ઉલ જીહાદે ઇસ્લામીએ હુમલા માટેની જવાદારી સ્વીકારી હતી. આ બ્લાસ્ટના સંબંધમાં ગુજરાત પોલીસે શકમંદ માસ્ટરમાઇન્ડ મુખ્તી અબુ બસીરની સાથે અન્ય નવની ધરપકડ કરી હતી.
આ બોમ્બ બ્લાસ્ટ બેંગ્લોર બ્લાસ્ટના એક દિવસ બાદ થયા હતા. સાઇકલ ઉપર ટીફીનમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ૧૩મી મે ૨૦૦૮ના દિવસે જયપુરમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટને પણ આજ પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ મુખ્ય રીતે શહેરની બસ સેવાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા હતા. બે હોસ્પિટલના પ્રાંગણમાં પણ બ્લાસ્ટ થયા હતા. જેમાં સીવીલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. શરૂઆતી બ્લાસ્ટ બાદ આશરે ૪૦ મિનિટમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા હતા. બે જીવતા બોમ્બ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રના મત વિસ્તાર મણિનગરમાંથી મળી આવ્યા હતા. આ બ્લાસ્ટના એક દિવસ બાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પણ વધુ એક બોમ્બ નિષ્ક્રિય કરાયો હતો.